નવી દિલ્હીઃ દેશમાં આજે કોરોનાના કેસમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. એક દિવસમાં 75 હજારથી વધારે કેસ નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. તેની સાથે દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓનો કુલ આંકડો 33 લાખને પાર પહોંચી ગયો છે અને 60 હજારથી વધુ લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમા 25 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 75 હજારથી નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. આ પહેલા ભારતમાં 22 ઓગસ્ટે રેકોર્ડ 69,878 કેસ નોંધાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 75,760 નવા દર્દી સામે આવ્યા છે અને 1023 લોકોના મોત થયા છ. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 33,10,235 પર પહોંચી છે. જેમાંથી 7,25,991 એક્ટિવ કેસ છે અને 25,23,772 લોકો સાજા થઈ ગયા છે. કુલ મૃત્યુઆંક 60,472 પર પહોંચ્યો છે.

રાહતની વાત એ છે કે, દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 182 ટકા થયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 22 ટકા થઈ છે. જ્યારે રિકવરી રેટ 76 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

આંકડા પ્રમાણે, દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધારે સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના બાદ તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળ આવે છે. જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.