નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આજે આખો દેશ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે. તમામનું એક લક્ષ્ય  છે કે કોરોનાને હાર આપવી છે. તેમણે કહ્યુ કે ભારત જેવો વિશાળ દેશ જે વિકાસ માટે પ્રયત્નશીલ છે, આજે તે ગરીબો માટે નિર્ણાયક લડાઇ લડી રહ્યો છે.



વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, તમામ લોકો પોતાના સામર્થ્ય અનુસાર આ લડાઇ લડી રહ્યા છે. કોઇ પોતાની જૂની પેન્શન, પુરસ્કાર રકમને પીએમ  કેયર્સમાં જમા કરાવી રહ્યા છે. કોઇ ખેતીની તમામ શાકભાજીઓ દાન આપી રહ્યા છે, કોઇ માસ્ક બનાવી લોકોમાં વહેંચી રહ્યુ છે, ક્યાંક મજૂર ભાઇ-બહેનો ક્વોરેન્ટાઇનમાં સ્કૂલને રંગી રહ્યા છે.



મોદીએ કહ્યુ કે, તાળી, થાળી, દીવો, મીણબતી આ તમામ ચીજોએ જે ભાવનાઓને જન્મ આપ્યો. તમામ લોકોને આ વાતોએ પ્રેરિત કર્યા છે. આપણા ખેડૂત ભાઇઓ-બહેનો આ મહામારી વચ્ચે પોતાના ખેતરોમાં દિવસ-રાત મહેનત કરી રહ્યા છે અને એ વાતની પણ ચિંતા કરી રહ્યા છે કે દેશમાં કોઇ ભૂખે ના મરી જાય.



વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ડોક્ટર, સફાઇકર્મી, અન્ય સેવા કરનારા લોકો હોય કે આપણી પોલીસ વ્યવસ્થાને લઇને સામાન્ય લોકોના વિચારમાં મોટો ફેરફાર આવ્યો છે. આપણા પોલીસ જવાનો ગરીબો અને જરૂરિયાતમંદો સુધી જમવાનું અને દવા પહોંચાડી રહ્યા છે.