નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં રવિવારે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો. દિલ્હીના જનપથ, મુનરિકા, કટવારિયા સરાય સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. આ પહેલા ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી એનસીઆરમાં બે દિવસ સુધી વરસાદની આશંકા વ્યક્ત કરી હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દિલ્હીનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.
નવી દિલ્હીના પ્રાદેશિક હવામાન વિભાગ કેન્દ્રના પ્રમુખ ડો. કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું, દિલ્હી એનસીઆરમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અહીં 28 એપ્રિલે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આશંકા છે. આ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


આગામી 24 કલાક દરમિયાન પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, તમિલનાડુ, કેરળ, દક્ષિણ કર્ણાટક, તેલંગાણા, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. ઉત્તર તથા પૂર્વ રાજસ્થાનના કેટલાક હિસ્સામાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. પંજાબમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે ધૂળની આંધી અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.