PM Modi Snorkeling: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસ દરમિયાન સ્નોર્કલિંગની મજા માણી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી લાઈફગાર્ડની મદદથી સ્નૉર્કલિંગ કરી રહ્યા છે. આ વીડિયોમાં વડાપ્રધાન લક્ષદ્વીપના આકર્ષક બીચ પર લટાર મારતા પણ જોવા મળે છે.



આ વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું કે, "લક્ષદ્વીપનો જમીની વિસ્તાર ભલે નાનો હોય, પરંતુ અહીંના લોકોનું દિલ સમુદ્ર જેટલું વિશાળ છે. લક્ષદ્વીપની સુંદરતાને શબ્દોમાં કેદ કરવી ખૂબ જ મુશ્કેલ છે. જે લોકો દુનિયાના વિવિધ દેશોના ટાપુઓને જોવા માંગે છે તેમને મારો આગ્રહ છે કે તેઓ પહેલા લક્ષદ્વીપની મુલાકાત જરૂર લે. મને વિશ્વાસ છે કે જે દિવસે તેમણે અહીંના સુંદર બીચ જોઇ લીધા  તેઓ બીજા દેશમાં જવાનું ભૂલી જશે.


લક્ષદ્વીપ જોઇને મને આનંદ થયો - પીએમ મોદી


પીએમ મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપમાં અગત્તી, બંગારામ અને કાવારત્તીની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા. પીએમ મોદીએ તેમની બે દિવસીય મુલાકાતની હાઈલાઈટ્સ શેર કરતાં કહ્યું હતું કે  “લક્ષદ્વીપની સવાર જોઈને મને આનંદ થયો. છેલ્લા દસ વર્ષમાં અમારી સરકારે દરિયાઈ વિસ્તારને પણ પોતાની પ્રાથમિકતા બનાવી છે. તાજેતરમાં અહીં યોજાયેલી G20 બેઠકે લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવી છે.


વોટર વિલા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે


PMએ કહ્યું હતું કે "સ્વદેશ દર્શન યોજના હેઠળ લક્ષદ્વીપ માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી રહી છે. હવે લક્ષદ્વીપમાં બે બ્લુ ફ્લેગ બીચ છે. મને કહેવામાં આવ્યું છે કે દેશનો પ્રથમ વોટર વિલા પ્રોજેક્ટ કદમત અને સુહેલી ટાપુઓ પર બનાવવામાં આવી રહ્યો છે. " હવે લક્ષદ્વીપ ક્રુઝ પ્રવાસન માટે એક મોટું સ્થળ બની રહ્યું છે."


તેમણે કહ્યું હતું કે "અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં લગભગ પાંચ ગણો વધારો થયો છે. મેં દેશના લોકોને અપીલ કરી છે કે તેઓ વિદેશ પ્રવાસ કરતા પહેલા દેશના ઓછામાં ઓછા 15 સ્થળોની મુલાકાત લે. લક્ષદ્વીપ વિકસિત ભારતના નિર્માણમાં મજબૂત ભૂમિકા નિભાવશે."