pm modi somnath visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. સોમવારે ગીર સોમનાથમાં ભવ્ય રોડ-શો કર્યા બાદ તેમણે સોમનાથ દાદાના મંદિરે કુંભાભિષેક અને પૂજા-અર્ચના કરી હતી. આ પવિત્ર ભૂમિ પરથી પીએમ મોદીએ દેશ અને દુનિયાને એક મજબૂત સંદેશ આપતા કહ્યું કે, દુનિયાની કોઈ પણ તાકાત ભારતને દબાવી શકે તેમ નથી. આ સાથે જ તેઓ આજે સાંજે વડોદરામાં સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરવાના છે અને ત્યાં પણ એક જાહેર સભાને સંબોધિત કરશે.
સોમનાથના ગૌરવ અને ભારતની તાકાતની વાત
સોમનાથ અમૃત મહોત્સવમાં બોલતા પીએમ મોદીએ આપણા સાંસ્કૃતિક વારસા વિશે વાત કરી હતી. તેમણે ઇતિહાસને યાદ કરતા કહ્યું કે, ભૂતકાળમાં ઘણા આક્રમણકારોએ સોમનાથ મંદિર પર હુમલો કરીને તેને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સોમનાથને માત્ર ઈંટો અને પથ્થરનું એક માળખું જ સમજતા હતા, એટલે જ મંદિર પર વારંવાર હુમલા થયા. પરંતુ દરેક વખતે સોમનાથ મંદિર ફરીથી અડીખમ ઊભું થઈ ગયું, કારણ કે હુમલાખોરો ભારતની સાચી તાકાત અને વિચારધારાને સમજી જ ન શક્યા. આપણી સંસ્કૃતિ માને છે કે શરીર નાશવંત છે, પણ આત્મા અમર છે અને શિવ જ પરમાત્મા છે જે આપણી સૌથી મોટી ચેતના છે.
પોખરણ પરીક્ષણ અને અડીખમ ભારત
દેશની તાકાતનો અહેસાસ કરાવતા પીએમ મોદીએ 11 મે, 1998 ના રોજ પોખરણમાં થયેલા પરમાણુ પરીક્ષણને પણ યાદ કર્યું. તેમણે કહ્યું કે, જ્યારે ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે આખી દુનિયા આપણી સામે ઊભી થઈ ગઈ હતી. દુનિયાભરના દેશો ગુસ્સામાં હતા અને આપણા પર અનેક આકરા પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા હતા, પણ ભારત કોઈનાથી ડર્યું નહીં કે પીછેહઠ પણ ન કરી. આપણા દેશમાં ક્યારેક આત્મસન્માન જેવા મુદ્દાઓ પર પણ રાજકારણ રમાય છે, પરંતુ રાષ્ટ્રહિત સર્વોપરી હોવું જોઈએ.
એક વર્ષ સુધી સોનું ન ખરીદવાથી દેશમાં શું થશે? પીએમ મોદીની અપીલ પાછળ છે $72 બિલિયનનો ખેલ
સરદાર પટેલનું યોગદાન અને સોમનાથ સાથેનો લગાવ
દેશના એકીકરણમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે, આઝાદી વખતે 500 થી વધુ દેશી રજવાડાઓને ભેગા કરીને સરદાર પટેલે જ અખંડ ભારત બનાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે જ આ સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ લીધો અને તેને પૂરો પણ કર્યો. અંતમાં પીએમ મોદીએ સોમનાથ સાથેના પોતાના ખાસ લગાવને યાદ કરતા કહ્યું કે, તેમને અવારનવાર અહીં મહાદેવના દર્શન કરવાની તક મળતી રહે છે અને આ પવિત્ર ભૂમિ સાથે તેમનો એક અતૂટ નાતો છે.
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
