Gujarat Elections Result 2022 : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમએ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. સાથે જ પીએમ મોદીએ તથાકથિત બુદ્ધિજીવીઓ અને પોતાની જાતને તટસ્થ કહેતા ટીકાકારોને બરાબરના ઝટક્યા હતાં. પીએમ મોદીએ 2002નો પણ ઉલ્લેખ કર્યો હતો. 
  
પીએમ મોદીએ તટસ્થ કહેતા લોકોની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, આ ચૂંટણીમાં અનેક લોકોને ઓળખાનો પણ અવસર મળ્યો. ગત કેટલીક ચૂંટણીનું એમ મોટા પરિદ્રશ્ય પર એનાલિસિસ કરવું જોઈએ. જે પોતાની જાતને ન્ટ્યુટ્રલ કહેતા હતાં... જેમનું ન્યુટ્રલ હોવું ખરેખર જરૂરી હોય છે તે ક્યાં ઉભા રહે છે, ક્યારે અને કેવી રીતે રંગ બદલે છે અને કેવા કેવા ખેલ ખેલે છે તે વિષે દેશે જાણી લેવું ખુબ જરૂરી છે. તેમને કહ્યું હતું કે, ઉત્તરાખંડની આટલી મોટી ચૂંટણી યોજાઈ જેમાં કેટલાયની ડિપોઝીટો જપ્ત થઈ. એ કોની થઈ તેને લઈને કોઈ જ ચર્ચા નહીં? તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં કેટલાય લોકોની ડિપોઝિટ જપ્ત થઈ અને કેટલા લોકોની ભૂંડી હાલત થઈ તેના વિશે કોઈ જ ચર્ચા નથી થતી. 


પીએમ મોદીએ આકરા પ્રહાર યથાવત રાખતા કહ્યું હતું કે, હવે એ લોકોને પણ ઓળખી અને જાણી લેવા જોઈએ કે આ પણ ઠેકેદારો છે. વડાપ્રધાને આમ કહેતા જ લોકો પણ ઉત્સાહિત થઈ ગયા  હતાં. તેમણે આગળ ઉમેર્યું હતું કે, રાજનીતિમાં સેવાભાવથી એક મુક સેવક તરીકે કામ કરવું એ તો જાણે ડિસ્કોલિફિકેશન માનવામાં આવે છે. આ શું સ્થિતિ આવી છે. આ કેવા નવા માપદંડો બેસાડવામાં આવ્યા છે. તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રની શાનદાર જીતને યાદ કરતા કહ્યું હતું કે, હું અશ્ચર્યચકિત છું કે, ભૂપેન્દ્ર ભાઈએ પોતાના મતવિસ્તારમાં લગભગ બે લાખ મતોથી વિજયી થયા છે. લોકસભામાં પણ 2 લાખથી જીત મેળવવી પણ મોટી વાત કહેવાય છે પરંતુ ભૂપેંદ્ર પટેલે તો વિધાનસભની ચૂંટણીમાં 2 લાખ જેટલા વોટથી જીત મેળવી છે એ કંઈ નાની વાત નથી. પરંતુ આ બાબતે કોઈ જ ચર્ચા નહીં?? ઠેકેદારોના ત્રાજવા કઈંક જુદા જ છે. માટે જ  આપણે વિપરીત જુલ્મો વચ્ચે આગળ વધવાનું છે. 


કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે આપણી સહનશીલતાને વધારવાની છે. સમજશક્તિને વધારવાની છે. તથાકથિત તટસ્થ લોકોનો ઉધડો લેતા તેમણે કહ્યું હતું કે, તે જ્યાં છે ત્યાં એમ જ રહેશે. તે બદલાશે નહીં. પોતાના વિષે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ખાસ કરીને હું 2002 બાદ વિશેષ રૂપે માનું છું કે, કદાચ મારા જીવનની કોઈ પળ એવી નથી કે, કોઈ પગલુ એવું નથી રહ્યું જેની ધજ્જીયા ના ઉડાવવામાં આવી હોય. જેની ટીકા જ નહીં પણ ધજ્જીયા ઉડાવવી... વાળ ખેંચી નાખવામાં ના આવી હોય. વડાપ્રધાને કહ્યું હતું કે, પરંતુ તેનો મને ખુબ જ લાભ મળ્યો. કારણ કે હું હંમેશા સતર્ક રહ્યો... આ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી કંઈક ને કંઈક સિખ્યો. મારામાં પરિવર્તન લાવતો રહ્યો. શિખતો ગયો અને આગળ વધતો ગયો.  


તેમણે કહ્યું હતું કે, ચારેકોરથી ઉછળનારા, ખભા પર બેસાડીને ફરનારાઓ સુધરે તેવી પણ શક્યતા નથી હોતી. તે તો જ્યાં છે ત્યાંથી પણ વધારે બગડશે. હવે સમય આવી ગયો છે કે, તેમને ઓળખી લેવામાં આવે. કારણ કે, તમારા પર અને મારા પર જુલમો વધશે. કારણ કે તે લોકો સહન નહીં કરી શકે. તે પચાવી નહીં શકે. અને તેનો જવાબ આપણી સહન શક્તિ વધારીને જ આપવાનો છે. 


આમ પીએમ મોદીએ ટીકાકારો અને પોતાને તટસ્થ ગણાવીને ટીકા કરનારાઓનો બરાબરનો ઉધડો લીધો હતો.