Gujarat Election Result 2022 : ગુજરાત અને હિમાચલ એમ બે રાજ્યોની ચૂંટણીના પરિણામો આજે સામે આવ્યા છે. ગુજરાતમાં ભાજપે જંગી જીત મેળવી ત્રણ દાયકાઓથી પણ જુના રેકોર્ડ તોડ્યા હતા. જો કે હિમાચલમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ હિમાચલમાં 39 સીટો સાથે જીત મેળવીને સરકાર બનાવવા જઈ રહી છે. આજે આવેલા બે રાજ્યોના ચૂંટણી પરિણામોને જોતા પહેલાથી જ આગાહી કરવામાં આવી રહી હતી કે, ગુજરાતમાં ભાજપ અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે. એક્ઝિટ પોલમાં પણ એવી જ આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ ચૂંટણીમાં જીત-હાર સિવાય પણ અનેક સંકેતો પણ છુપાયેલા છે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં આમ આદમી પાર્ટીની મજબૂત સ્પર્ધા અને કોંગ્રેસ કેવું પ્રદર્શન કરશે તેના પર સૌકોઈની નજર હતી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ રેકોર્ડ સર્જ્યા છે. ભાજપ પાસે સૌથી વધુ બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે સૌથી ઓછી બેઠકો છે. ગુજરાતના પરિણામો એટલા તો આઘાતજનક હતાં કે કોંગ્રેસ હિમાચલની ચૂંટણી જીત્યા બાદ પણ ઉજવણી કરી શકી નથી. તેમજ ગુજરાતમાં કારમી હાર માત્ર કોંગ્રેસને જ નહીં પરંતુ અન્ય પક્ષો પર ગંભીર અસર કરશે. બીજો પક્ષો કે જે 2024માં પીએમ મોદી સામે વિપક્ષનું નેતૃત્વ કરવા માંગે છે.


ભાજપની આ જીતની ગુંજ વર્ષો સુધી સંભળાશે


ગુજરાતમાં ભાજપની જીતને માત્ર એક રાજ્યની જીત તરીકે નહીં જોવામાં આવે અને ના તો ભાજપ આમ થવા દેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહરાજ્ય હોવા ઉપરાંત ગુજરાત ભાજપની વ્યૂહરચના માટે પણ કેન્દ્રસ્થાને રહ્યું છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચ્યા બાદ હજી પણ ગુજરાત તેમની સાથે જ છે. આ એ જ રાજ્ય છે જેના માટે કોંગ્રેસ સતત નરેન્દ્ર મોદીને નિશાન બનાવી રહી હતી પરંતુ આજે જે પરિણામો આવ્યા તેનો જવાબ કોંગ્રેસ આપી નહીં શકે. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીતને ભાજપ આગામી સ્તરે લઈ જશે અને તેની અસર અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને આગામી લોકસભાની ચૂંટણી પર પણ જોવા મળશે. ભલે કોંગ્રેસ હિમાચલમાં જીત મેળવવામાં સફળ રહી પરંતુ આ એ જ રાજ્ય છે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી 5 વર્ષ બાદ સરકાર બદલવાનું ચલણ બન્યું છે. પરંતુ ગુજરાત એક એવું રાજ્ય હતું કે જ્યાં કોંગ્રેસ પાર્ટી ભલે સરકાર બનાવી શકત પરંતુ ગત ચૂંટણીમાં જેટલી સીટો આવી હતી તેની આસપાસ બેઠકો મળી હોત તો તેનો અર્થ કંઈક જુદો કહેવાત.


કોંગ્રેસની હારથી સાથી પક્ષોમાં ફફડાટ 


ગુજરાતમાં કોંગ્રેસને મળેલી કારમી હાર માત્ર તેના માટે જ નહીં પરંતુ અન્ય દળો પર પણ આ હારની ગંભીર અસર થશે. ખાસ કરીને એ પક્ષો કે જે તેમની સાથે છે અથવા જે પક્ષો 2024માં નરેન્દ્ર મોદીની સામે વિપક્ષનું નેતૃત્વ કરવા ધારે છે. જેમાં નીતિશ કુમાર, મમતા બેનર્જી, કેસીઆરની પાર્ટી સહિત અન્ય પક્ષો છે. 2024માં વડાપ્રધાનને પડકારવા માટે તાજેતરમાં અનેક પક્ષોના નેતાઓ આગળ આવ્યા છે. બંગાળમાં જીત બાદ મમતા બેનર્જી, ભાજપથી અલગ થયા બાદ નીતિશ કુમાર અને કેસીઆરએ વિપક્ષી પાર્ટીઓને એક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે માત્ર અલ્પજીવિ હતો. હવે આ રેસમાં આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલ પણ શામેલ થયા છે. કેજરીવાલે તો અન્ય વિપક્ષી નેતાઓથી અલગ રાહ પકડી છે. અત્યાર સુધી આ નેતાઓની રણનીતિમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હતી અને ભવિષ્યમાં પણ રહે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસને કેટલુ મહત્વ મળશે તેને લઈને સવાલ ઉભા થયા છે. એટલું જ નહીં, ગુજરાતમાં હાર બાદ કોંગ્રેસની સાથે રહેલા સાથી પક્ષોના મનમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. 


સાથી પક્ષો કોંગ્રેસની વાત કેવી રીતે માનશે? 


એ વાતમાં કોઈ શંકા નથી કે આગામી લોકસભા ચૂંટણી માટે જો વિપક્ષ તરફથી મોરચો બનાવવામાં આવશે તો તેમાં કોંગ્રેસની તાકાત ઘણી મહત્વની રહેશે. નીતીશ, મમતા અને અરવિંદ કેજરીવાલના દાવાઓ વચ્ચે કોંગ્રેસે ક્યારેય પોતાના પત્તાં ખોલ્યા નથી. જ્યારે આ મામલે સવાલ કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી કહેવામાં આવે છે કે, કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મજબૂતીથી લડશે. એટલે કે તે પણ છેલ્લી ઘડી સુધી પોતાના દાવાથી પીછેહઠ કરવા માંગતી નથી, પરંતુ ગુજરાતમાં જે રીતે તેનો પરાજય થયો છે તેનાથી તેને જરૂર ઝાટકો લાગ્યો છે. આટલું જ નહીં, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની છબી પણ પહેલા કરતા વધુ મજબૂત બની અને એક અલગ જ ચર્ચા શરૂ થઈ, પરંતુ ગુજરાત ચૂંટણીના પરિણામોએ તેમને ફરી એકવાર ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. કોંગ્રેસના નેતાઓ આ પ્રશ્નને ટાળી શકે છે અને તેને ભારત જોડો યાત્રા સાથે ન જોવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તેની અસર ચોક્કસ થશે એ વાસ્તવિકતા છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું કે જ્યાં કોંગ્રેસનું પ્રદર્શન સારું હોત તો માત્ર કોંગ્રેસ જ નહીં અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ ઉર્જા મળી હોત પરંતુ પરિણામોએ કોંગ્રેસની સાથો સાથ વિરોધ પક્ષોને ફરીથી વિચારવા મજબુર કર્યા છે. આ સ્થિતિમાં સવાલ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે, 2024માં પીએમ મોદીનો સામનો કોણ કરશે?