PM Modi on India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (25 જૂલાઈ) વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન 'INDIA'ની સરખામણી ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે કરી અને કહ્યું હતું કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ જ વિપક્ષે 'INDIA' ગઠબંધન બનાવ્યું છે. તેમણે કહ્યું કે અંગ્રેજો આવ્યા અને પોતાનું નામ ઈસ્ટ ઈન્ડિયા કંપની રાખ્યું, તેવી જ રીતે વિપક્ષો પોતાને 'INDIA'ના નામે રજૂ કરી રહ્યા છે.






ચોમાસુ સત્રમાં મણિપુર પર ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકને સંબોધિત કરી હતી. દરમિયાન પીએમએ વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું, માત્ર ‘ઇન્ડિયા’ નામ રાખવાથી બધુ થઇ જતું નથી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પણ ‘ઈન્ડિયા’ લગાવ્યું હતું અને ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ‘ઈન્ડિયા’ છે.


દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે વિરોધ કરવો એ વિપક્ષનું કામ છે. તેમને તે કરવા દો અને તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. આપણે 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાનો છે. ત્રીજી ટર્મમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની છે. વિરોધ દિશાહીન છે. અંગ્રેજો આવ્યા અને પોતાનું નામ ઈસ્ટ ઈન્ડિયા કંપની રાખ્યું, તેવી જ રીતે વિપક્ષો પોતાને ‘ઈન્ડિયા’ના નામે રજૂ કરી રહ્યા છે.


પીએમ મોદીએ કહ્યું, વિપક્ષ વેરવિખેર થઇ ગયો છે. વિપક્ષના વલણ પરથી લાગે છે કે તેમને લાંબા સમય સુધી સત્તામાં આવવાની ઈચ્છા ધરાવતા નથી. પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં 15 ઓગસ્ટે દરેક ઘરમાં ધ્વજ ફરકાવાના કાર્યક્રમ વિશે પણ માહિતી આપી હતી. ચોમાસા સત્રમાં સંસદીય દળની આ પહેલી બેઠક હતી. આ બેઠક સંસદની લાયબ્રેરી બિલ્ડીંગમાં થઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને તમામ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા.


વાસ્તવમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ મણિપુરમાં આ ઘટનાને લઈને હોબાળો મચી ગયો છે. વિપક્ષ પીએમ મોદીના નિવેદન અને સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની માંગ કરી રહ્યું છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહના જવાબ સાથે સરકાર ટૂંકા ગાળાની ચર્ચા માટે તૈયાર છે. પરંતુ વિપક્ષ આ મુદ્દે પીએમ મોદીના નિવેદન પર અડગ છે.