કોઝિકોડ (કેરળ): કેરળના કોઝિકોડમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય પરિષદની ત્રણ દિવસીય બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકના બીજા દિવસે પીએમ મોદી પણ શામેલ થશે અને એક જનસભાને સંબોધશે. આ દરમિયાન પીએમ મોદીની રેલી પર લોકોની ખાસ નજર રહેશે કેમકે ઉરીમાં આતંકી હુમલા બાદ પીએમ પહેલી વાર સાર્વજનિક રીતે ભાષણ આપશે.
મોદી આજે બપોરે ત્રણ વાગ્યે કોઝિકોડ પહોંચશે અને સાંજે ચાર વાગ્યે કોઝિકોડ બીચ પાસે રેલી સંબોધશે. પીએમના સંદેશમાં ગરીબ કલ્યાણ રાષ્ટ્રીય સુરક્ષા અને કેરળમાં રાજકીય હિંસા અને સંઘ, ભાજપ કાર્યકર્તાઓ પર હુમલાના મુદ્દા મહત્વના રહેશે.
બેઠકના બીજા દિવસે આજે સવારે પદાધિકારી બેઠક અને સ્ટેટ રિપોર્ટિંગ થશે. બેઠકમાં સંગઠન સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ચર્ચા થશે. જેમાં ફોકસ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા જેવા ચુનાવી રાજ્યો પર હશે. આ પછી પીએમની રેલી થશે.
આ પછી બેઠકમાં સાંજે દીનદયાળ ઉપાધ્યાય સાથે કામ કરનારા લોકોનું સન્માન કરવામાં આવશે. એક એક્ઝિબિશનનું ઉદ્ધાટન કરવામાં આવશે જેમાં કેરળનો ઈતિહાસ દર્શાવવામાં આવશે.
ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓનું ગેટટુગેધર થશે જેમાં પીએમ મોદી પણ હાજર રહેશે. આજે સાંજે મલયાલી ફિલ્મ ડાયરેક્ટર અલી અકબર દ્વારા નિર્દેષિત એક નાટક પણ બતાવવામાં આવશે જેની થિમ રાષ્ટ્રીયતા હશે.
મોદી રવિવારે રાષ્ટ્રી. પરિષદને સંબોધિત કરશે. મોદી 25 સપ્ટેમ્બરે એક વિશેષ કાર્યક્રમમાં પૂર્વ જનસંઘ અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 100મી જયંતીના સમારોહનું ઉદ્ઘાટન કરશે.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં કેંદ્રીય મંત્રી, પાર્ટી શાસિત રાજ્યોના મંત્રી, સાંસદ, પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને પાર્ટીના વિભિન્ન રાજ્ય એકમોના નેતા આ બેઠકમાં ભાગ લેશે.