નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આવતીકાલે સોમવારે 11 એપ્રિલના રોજ વર્ચ્યુઅલ મીટિંગ કરશે, જેમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગ અને દક્ષિણ એશિયામાં તાજેતરના વિકાસ પર પોતાના વિચારો રજુ કરશે અને આગળની રણનીતિ વિશે વાતચીત કરશે.


વિદેશ મંત્રાલયે પીએમ મોદી અને જો બાઈડન સાથેની આ વર્ચ્યુઅલ બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું કે, આ બેઠક બંને દેશોની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો દ્વિપક્ષીય વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી થઈ રહી છે અને આ બેઠક તેમની નિયમિત અને ઉચ્ચ-સ્તરીય સંબંધોને યથાવત રાખવા અને સંબંધો વધુ મજબૂત કરવાના ઉદ્દેશથી થશે."


બેઠક અંગે વ્હાઇટ હાઉસ દ્વારા એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, આ બેઠકમાં બંને નેતાઓ “COVID19 મહામારીનો અંત, ક્લાઈમટ ચેન્જના સંકટનો સામનો કરવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને મુક્ત અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવા બંને દેશોના સહયોગ વેગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સાથે ઈન્ડો-પેસિફિકમાં સુરક્ષા, લોકશાહી અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે પણ બેઠકમાં ચર્ચા થશે.




અખબારી યાદીમાં વધુમાં ઉમેર્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી વૈશ્વિક ખાદ્ય પુરવઠા અને કોમોડિટી બજાર પર થયેલી અસરને ઓછી કરવા અંગે પણ ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ બિડેન રશિયાના યુક્રેન સામેના ક્રૂર યુદ્ધના પરિણામો અને વૈશ્વિક ખાદ્ય પુરવઠા અને કોમોડિટી બજારો પર તેની અસ્થિર અસરને ઘટાડવા અંગેની ચર્ચા આ મિટીંગમાં પણ ચાલુ રાખશે. બાઈડને છેલ્લે માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી મોદી સાથે અન્ય ક્વોડ નેતાઓ સાથે મિટીંગ કરી હતી.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની આ મિટીંગ બાદ 11 અને 12 એપ્રિલના રોજ ભારત અને અમેરિકાના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ વચ્ચે ચોથી ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય બેઠક પણ મળવા જઈ રહી છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાની અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેઓ ત્યાં તેમના અમેરિકી સમકક્ષ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન સાથે મુલાકાત કરશે. આ સાથે વિદેશ મંત્રી એસ જયશંકર તેમના અમેરિકન સમકક્ષ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે પણ મુલાકાત કરશે.