દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે અને વિરોધી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવી રહી છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કોંગ્રેસ નેતા નેટ્ટા ડિસુઝાએ દિલ્હી-ગુવાહાટી હવાઈ યાત્રા દરમિયાન ચાલુ ફ્લાઈટમાં શૂટ કર્યો હતો. આ વીડિયોમાં ડિસુઝા સ્મૃતિ ઈરાનીને સવાલ કરી રહી છે કે, દેશમાં આટલી મોંઘવારી કેમ વધી રહી છે, તો જવાબમાં ઈરાનીએ કહ્યું કે, પ્લીઝ ખોટું ન બોલો.


 






રવિવારના રોજ કોંગ્રેસ નેતા નેટ્ટા ડિસુઝાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેમા તે ફ્લાઈટમાં બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીને મોંઘવારી મુદ્દે ઘેરી રહી છે. તેમની વાતચીત દરમિયાન વીડિયોનું શૂટિંગ ચાલું જ હતું. આ દરમિયાન ઈરાનીએ પોતાનો રસ્તો રોકવા પર પણ સવાલ ઉઠાવ્યો હતો. થોડીવાર બાદ મંત્રી ઈરાનીએ પણ આ ઘટનાક્રમનો વીડિયો પોતાના મોબાઈલ પર શૂટ કર્યો હતો. ડિસુઝા તેલની વધી રહેલા ભાવોને લઈને ભાજપ નેતાને સવાલ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના દિલ્હી-ગુવાહાટી ફ્લાઈટમાં સફક દરમિયાન ઘટી હતી.


વીડિયોમાં ડિસોઝા અને ઈરાની બંને પોતપોતાના મોબાઈલ ફોનમાં આ આખી વાતચીત રેકોર્ડ કરતા જોવા મળે છે. તેમણે ટ્વીટ કર્યું કે ગુવાહાટી જતી વખતે મોદી સરકારમાં મંત્રી સ્મૃતિ ઈરાની સાથે રૂબરૂ મુલાકાત થઈ હતી. જ્યારે મેં તેમને એલપીજીની સતત વધતી કિંમતો વિશે પૂછ્યું, ત્યારે તેમણે દોષનો ટોપલો રસી, રાશન અને અહિંયા સુધી કે ગરીબો પર ઢોળી દીધો હતો.


વીડિયોમાં જોઈ શકાય છે કે. કોંગ્રેસ નેતા મંત્રી ઈરાનીને સવાલ કરી રહ્યા છે. આ વચ્ચે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મારો રસ્તો રોકવામાં આવી રહ્યો છે. જ્યારે રસોઈ ગેસની ઘટને લઈને સવાલ કર્યો તો ઈરાનીએ કહ્યું કે, ખોટુ ન બોલો.


તમને જણાવી દઈએ કે, છેલ્લા થોડા દિવસથી દેશમાં રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જો કે છેલ્લા ચાર દિવસથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયાએ પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 96.67 રૂપિયાએ પહોંચી ગઈ છે.