નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કબીરની 500મી જયંતિના અવસર પર ઉત્તરપ્રદેશના સંતકબીર નગર જિલ્લાના મગહરમાં કવિ કબિરદાસની મજાર પર પુષ્પાંજલિ અર્પિત કરી અને ચાદર ચઢાવી હતી. મગહરમાં એક સભાને સંબોધતા મોદીએ એકજૂથ થયેલા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે, જાતિ અને જ્ઞાતિના નામ પર કેટલાક રાજકીય દળો સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક રાજકીય દળો શાંતિ અને વિકાસ નહી પરંતુ અશાંતિ અને કલહ ઇચ્છે છે. તેમને લાગે છે કે જેટલો અસંતોષ અને અશાંતિનું વાતાવરણ બનાવીશું તેટલો રાજકીય ફાયદો થશે. સત્તાની લાલચ એવી છે કે ઇમરજન્સી લગાવનારા અને તે સમયે ઇમરજન્સીનો વિરોધ કરનારા એક સાથે આવી ગયા છે. આ સમાજ નહી પણ ફક્ત પોતાના અને પોતાના પરિવારનું હિત જોઇ રહ્યા છે.
મોદીએ વધુમાં કહ્યુ કે, કબીરે જાતિ અને જ્ઞાતિનો ભેદ તોડ્યા, તમામ માણસની એક જ્ઞાતિ જાહેર કરી. પોતાની અંદર અહંકારને ખત્મ કરી તેમાં બિરાજ્યા હતા. અને ઇશ્વરના દર્શન કરવાનો રસ્તો બતાવ્યો હતો. સેંકડો વર્ષોની ગુલામીના કાલખંડમાં જો દેશની આત્મા બચી રહી તો આવા સંતોને કારણે. સંત કબીર ધૂળથી ઉઠ્યા પરંતુ માથાનું ચંદન બની ગયા હતા.