પીએમ મોદીએ કહ્યું કે, અટલજીના પ્રયાસના કારણે જ આતંકવાદના મુદ્દા પર સમગ્ર વિશ્વને ભારત સાથે લાવવામાં સફળ રહ્યા હતા. કિશોરવસ્થાથી લઈને જીવનના અંત સુધી અટલજી દેશ, દેશવાસીઓ અને આમ આદમીના સપનાં માટે જીવ્યા. પોખરણ પરીક્ષણ કરીને તેમણે સમગ્ર વિશ્વને એવો સંદેશ આપ્યો કે ભારત અટલ હે, તે વૈશ્વિક દબાણ આગળ નહીં ઝૂકે. તેઓ માત્ર નામથી જ નહીં વ્યવહારથી પણ અટલ હતા.
તેમણે એમ પણ કહ્યું કે, અટલ બિહારી વાજપેયી આટલા લાંબા સમય સુધી વિપક્ષમાં રહ્યા અને તેમ છતાં તેમણે વિચારોની ધારા ન ખોઈ. જે ખૂબ મોટી વાત છે. કિશોરાવસ્થાથી લઈ જ્યાં સુધી તેમના શરીરે સાથ આપ્યો ત્યાં સુધી દેશ માટે જીવ્યા. 10 વર્ષ સુધી જે મહાપુરુષ કોઈ રાજકીય મંચ પર નજર ન આવ્યા પરંતુ વ્યક્તિની વિદાયને જે પ્રકારે દેશે સન્માન આપ્યું તેની કોઈ કલ્પના જ ન કરી શકાય.
શ્રદ્ધાંજલિ સભામાં બોલતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ભાવુક થઈ ગયા હતા. તેમણે અટલજી સાથે 65 વર્ષની દોસ્તી યાદ કરતાં ભારે હૈયે જણાવ્યું કે, મેં ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે મારે આવી સભાને સંબોધિત કરવી પડશે. અમે અટલજી પાસેથી ઘણું શીખ્યા અને દુઃખ એટલા માટે થાય છે કે તેઓ આપણને છોડીને અલગ થઈ ગયા.
આ પ્રાર્થના સભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, આરએસએસના મોહન ભાગવત, રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામનબી આઝાદ સહિત અનેક નેતાઓએ અટલ બિહારી વાજપેયીને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.