PM Modi Ukraine visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે યુક્રેનના પ્રવાસે જશે. 30 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન અહીંની મુલાકાત લેશે. આ પહેલાં પીએમ મોદી 21-22 ઓગસ્ટે પોલેન્ડના પ્રવાસે જશે. 45 વર્ષ પછી ભારતના કોઈ પીએમનો પોલેન્ડ પ્રવાસ થશે. પીએમ મોદીનો યુક્રેન પ્રવાસ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતના એક મહિના પછી થઈ રહ્યો છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રા, જે 1991માં યુક્રેન સ્વતંત્ર થયા પછી કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ યાત્રા હશે. ગયા મહિને રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીના ચીફ ઓફ સ્ટાફ એન્ડ્રી યરમકે કહ્યું હતું કે પીએમ મોદી યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વર્ષ 2022માં યુદ્ધ પછી ભારતે રશિયા કે રશિયન અધિકારીઓની નિંદા કરવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે પશ્ચિમના ઘણા દેશોએ ભારતને નિશાન બનાવ્યું હતું.


ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ ભારત અને પોલેન્ડ વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો અને આર્થિક જોડાણ રહ્યું છે. ભારતીય રાજકીય નેતૃત્વ સપ્ટેમ્બર 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં જર્મન આક્રમણ વિરુદ્ધ પોલેન્ડના સંઘર્ષનું મુખર સમર્થક હતું. રાજનયિક સંબંધો 1954માં સ્થાપિત થયા અને 1957માં વોર્સોમાં ભારતીય દૂતાવાસ ખોલવામાં આવ્યો. સામ્યવાદી યુગ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો ઘનિષ્ઠ અને સૌહાર્દપૂર્ણ હતા. નિયમિત ઉચ્ચ-સ્તરીય મુલાકાતો થતી હતી, જેમાં 1955માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની મુલાકાત પણ સામેલ હતી.


ભારતે ડિસેમ્બર 1991માં યુક્રેનને સાર્વભૌમ દેશ તરીકે માન્યતા આપી હતી. કિવમાં ભારતીય દૂતાવાસ મે 1992 માં ખોલવામાં આવ્યો, જેમાં સંરક્ષણ શાખાનો સમાવેશ થાય છે. યુક્રેન દ્વિપક્ષીય શિમલા કરારના આધારે ભારત અને પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીર મુદ્દાના ઉકેલનું સમર્થન કરે છે. યુક્રેન યુએન ફ્રેમવર્કમાં સુધારાને પણ સમર્થન આપે છે. બંને વચ્ચે વેપાર સંબંધિત અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એરો ઈન્ડિયા 2021 દરમિયાન, યુક્રેને નવા શસ્ત્રોના વેચાણ તેમજ ભારતીય સશસ્ત્ર દળોની સેવામાં વર્તમાન શસ્ત્રોની જાળવણી અને અપડેટ માટે ભારત સાથે રૂ. 530 કરોડના ચાર કરારો પણ કર્યા હતા.


યુક્રેન અને ભારત પાસે એક કમિશન છે જે સંયુક્ત બિઝનેસ કાઉન્સિલની બેઠકોનું આયોજન કરે છે. ભારતે 2022માં યુક્રેનને $743 મિલિયનની નિકાસ કરી હતી. મુખ્ય ચીજવસ્તુઓ પેટ્રોલિયમ, પેકેજ્ડ દવાઓ અને પ્રસારણ સાધનો હતી. અન્ય ચીજવસ્તુઓમાં ખનિજો, તમાકુ ઉત્પાદનો, ચા, કોફી, મસાલા, રેશમ અને જ્યુટ હતા. યુક્રેન ભારતને $1.08 બિલિયનની નિકાસ કરે છે. મુખ્ય ઉત્પાદનોમાં બીજ તેલ, નાઈટ્રોજનયુક્ત ખાતરો, રસાયણો અને દરિયાઈ અને એરક્રાફ્ટ એન્જિન હતા. છેલ્લા 5 વર્ષમાં યુક્રેનની ભારતમાં નિકાસ 14.3 ટકાના વાર્ષિક દરે ધીમી પડી છે.


આ પણ વાંચોઃ જમ્મુના ઉધમપુરમાં આતંકવાદીઓનો સુરક્ષા દળોની સંયુક્ત ટુકડી પર હુમલો, CRPF ના ઇન્સ્પેક્ટર શહીદ