વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. પીએમ મોદીનો અમેરિકાનો પ્રવાસ 21 જૂનથી શરૂ થશે અને 24 જૂને સમાપ્ત થશે. પીએમ મોદીના આ પ્રવાસમાં ભારતને મહાસત્તા બનાવવા માટે ભારત અને અમેરિકા વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો ડિફેન્સ કરાર થવા જઈ રહ્યો છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સહિત અમેરિકાની ટોચની કંપનીઓના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે.


મસ્ક સહિત 24 લોકોને વડાપ્રધાન મોદી મળશે. અમેરિકન પ્રવાસ પર પીએમ મોદીને જે લોકો મળવાના છે તેમાં  અર્થશાસ્ત્રી, કલાકાર અને વૈજ્ઞાનિક જેવી હસ્તીઓ સામેલ છે. મસ્ક ઉપરાંત ખગોળશાસ્ત્રી નીલ ડેગ્રસ ટાયસન અને ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહને મળશે.


મસ્કે પોતાની ટેસ્લા કાર ભારતમાં લાવવાના સંકેત આપ્યા છે. પરંતુ હજુ સુધી આ અંગે સ્થિતિ અનુકૂળ બની નથી. ગયા વર્ષે ભારતે કાર પર ઇમ્પોર્ટ ટેક્સ ઘટાડવાની ટેસ્લાની વિનંતીને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ભારત ઇચ્છે છે કે ટેસ્લા ભારતમાં કારનું ઉત્પાદન કરે પરંતુ ટેસ્લા પહેલા કારની આયાત કરવા અને ભારતીય બજારમાં તેનું ટેસ્ટિંગ કરવા માંગે છે.


જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે પીએમ મોદી મસ્કને મળશે. વર્ષ 2015માં જ્યારે તેઓ અમેરિકાના પ્રવાસ પર ગયા હતા ત્યારે પણ મસ્ક સાથે તેમણે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ટેસ્લાની ફેક્ટરીની મુલાકાત પણ લીધી હતી.


પીએમ મોદી અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા પોલ રોમરને પણ મળશે. રોમર વર્લ્ડ બેન્કમાં ચીફ ઇકોનોમિસ્ટ રહી ચૂક્યા છે.  તે સિવાય પીએમ મોદી વિશ્વના સૌથી મોટા હેજ ફંડ બ્રિજવાટર એસોસિએટ્સના સ્થાપક રે ડૈલિયોને પણ મળશે.


પીએમ મોદી માઈકલ ફ્રોમન સાથે પણ મુલાકાત કરશે. માઇકલ ફ્રોમન 2013 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિના સહાયક અને આંતરરાષ્ટ્રીય આર્થિક બાબતોના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. તેમણે G7, G8 અને G20 સમિટમાં યુએસ શેરપા તરીકે પણ સેવા આપી છે. આ સિવાય પીએમ મોદી ભારતીય અમેરિકન બિઝનેસમેન અને ગ્રેમી-નોમિનેટેડ આર્ટિસ્ટ ચંદ્રિકા ટંડનને પણ મળશે. ચંદ્રિકા ટંડન કેપિટલ એસોસિએટ્સના ચેરપર્સન છે અને લિંકન સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ અને બર્કલી કૉલેજ ઑફ મ્યુઝિક માટે બર્કલી પ્રેસિડેન્શિયલ એડવાઇઝરી કાઉન્સિલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્ય છે.