PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે અમેરિકા સંપૂર્ણ રીતે તૈયાર છે. પીએમ મોદી 20 જૂને અમેરિકાના પ્રવાસે જશે. આ પ્રવાસને લઈને વિદેશ મંત્રાલય દ્વારા ફરીથી માહિતી શેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી ક્યારે અમેરિકા પહોંચી રહ્યા છે અને ત્યાં કયા કાર્યક્રમોમાં ભાગ લેશે. આ મુલાકાત વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરતા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું હતું કે, પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તના પ્રવાસે છે.


વ્હાઇટ હાઉસમાં થશે ભવ્ય સ્વાગત 


વિદેશ સચિવે જણાવ્યું હતું કે, 22 જૂને વડાપ્રધાન મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરવામાં આવશે. આ પછી બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષીય બેઠક થશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી અમેરિકી કોંગ્રેસને પણ સંબોધિત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પણ વડાપ્રધાન મોદી માટે ડિનરનું આયોજન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક પણ કરશે.


વિદેશ સચિવે જાણકારી આપતા કહ્યું હતું કે, આ મુલાકાત અમેરિકા અને ભારતના સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ એક એવી યાત્રા છે જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઊંડો રસ ધરાવે છે. આ પ્રવાસ બંને દેશો વચ્ચે સંરક્ષણ અને ઔદ્યોગિક રોડમેપ તૈયાર કરશે.


પીએમ મોદી ઇજિપ્તની પણ લેશે મુલાકાત 


વિદેશ સચિવે પીએમ મોદીની યુએસ મુલાકાત બાદ ઇજિપ્તની મુલાકાત વિશે પણ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 24-25 જૂને વડાપ્રધાન મોદી ઈજિપ્તની મુલાકાતે જશે. વડાપ્રધાન મોદીની આ પ્રથમ ઈજિપ્તની મુલાકાત હશે. 1997 પછી કોઈપણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર અહીંની મુલાકાત લેશે. અલ-સીસી પ્રજાસત્તાક દિવસના અવસર પર મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન મોદીને તેમના દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. જેનો પીએમ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, અગાઉ બાઈડન પ્રશાસને પીએમ મોદીની મુલાકાતના ગણતરીના દિવસો પહેલા જ ભારતીયોને મોટી ભેટ આપી છે. અમેરિકી સરકારે ગ્રીન કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેતા ભારતીયોને મોટો લાભ થશે. જો બાઈડેન વહીવટીતંત્રે અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે ગ્રીન કાર્ડની રાહ જોતા લોકો માટે પાત્રતાના માપદંડો પર નીતિ માર્ગદર્શિકા જારી કરીને નિયમો હળવા કર્યા છે.


એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) માટે પ્રારંભિક અને નવીકરણ અરજીઓ માટે પાત્રતા માપદંડો અંગે અમેરિકી સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા હજારો ભારતીય ટેક્નોલોજી પ્રોફેશનલ્સને મદદ કરશે તેવી અપેક્ષા છે. આ પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડ કે કાયમી રહેઠાણ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. 'ગ્રીન કાર્ડ' સત્તાવાર રીતે સ્થાનિક નિવાસ કાર્ડ તરીકે ઓળખાય છે. તે અમેરિકામાં આવતા ઇમિગ્રન્ટ્સને જારી કરાયેલ દસ્તાવેજ છે કે તેના ધારકને કાયમી નિવાસનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે.