નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં સ્થિતિ વણસી રહી છે. છત્તીસગઢ અને રાજસ્થાને કોરોના પર કાબુ મેળવવા અમુક જિલ્લામાં લોકડાઉન લાદયું છે. દેશમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ અને દિલ્હીમાં કોરોનાનો સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે.  આ દરમિયાન કોરોનાની સ્થિતિને લઈ પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજે ફરી એક વખત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, પ્રારંભિક કાળમાં આપણે જે લોકડાઉનની નીતિ અપનાવી હતી તે સફળ રહી અને દુનિયાએ પણ તેની પ્રશંસા કરી. પરંતુ હવે આપણે માઇક્રો કન્ટેનમેંટ ઝોન પર ધ્યાન આપવું જોઈએ. એક કે બે દિવસનું લોકલ લોકડાઉન કોરોના સામે લડવામાં કેટલું પ્રભાવશાળી છે તેના પર રાજ્યોઓ વિચાર કરવો જોઈએ. આ કારણે તમારા રાજ્યની આર્થિક ગતિવિધિ પર અસર ન પડે તે પણ જોવું પડશે. તમામ રિસર્ચ જણાવે છે કે સંક્રમણ રોકવામાં માસ્ક ખૂબ અસરકારક છે. તેને રોજની આદતમાં સામેલ કર્યા સિવાય આપણે કોરોના સામે લડી નહીં શકીએ.



એક રાજ્યથી બીજા રાજ્યમાં સેવાનો પૂરવઠો ખોરવાવાથી જનજીવન અને રોજગારી પર અસર પડે છે. મને ઓક્સિજનની કોઈ કમી ન હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ રાજ્યોએ પરસ્પર સમજદારી દાખવવી જોઈએ.

સંયમ, સંવેદના, સંવાદ અને સહયોગની જે ભાવના દેશે બતાવી છે તેને આગળ વધારવાની છે. હવે આપણે સંયુક્ત પ્રયાસથી આર્થિક મોરચે પણ લડાઈ લડવાની છે.