પટનાના ફુલવારી શરીફમાં 2 સંદિગ્ધ આતંકી પકડાયા છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ આ સંદિગ્ધ આતંકીઓના ઈરાદા ખતરનાક હતા. બંને લોકો પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્ય છે અને તેમની પાસેથી દસ્તાવેજ પણ મળ્યા છે. આ દસ્તાવેજ અનુસાર પટનામાં આતંકીઓના નિશાના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા. દસ્તાવેજ મુજબ પટનામાં પીએમ મોદીના કાર્યક્રમમાં ગડબડી કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
પકડાયેલા બંને સંદિગ્ધ સામે નોંધાયેલી FIRમાં લખવામાં આવ્યું છે કે, 11 જુલાઈએ ઈન્ટેલિજન્સ એજન્સીને ગુપ્ત સુચના મળી હતી કે, ફુલવારીશરીફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક સંદિગ્ધ લોકો પ્રધાનમંત્રી મોદીના પટના પ્રવાસ દરમિયાન ગડબડી કરવાના ઈરાદા સાથે ભેગા થયા છે. તેમને 15 દિવસથી આ અંગે ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. સંદિગ્ધ આતંકિઓની ફુલવારીશરીફમાં રમખાણો કરવાની પણ યોજના હતી. પરંતુ ચોક્કસ ગુપ્તચર એજન્સીએ આ સંદિગ્ધોના ષડયંત્રને સમય પહેલાં જ શોધી કાઢ્યો હતો.
નૂપુર શર્માનો પણ ઉલ્લેખઃ
એફઆઈઆરમાં એ પણ લખવામાં આવ્યું છે કે, આ આતંકીઓ હાલના દિવસોમાં નૂપુર શર્મા દ્વારા જે ધર્મ ઉપર અપશબ્દ બોલવામાં આવ્યો હતો તેનો બદલો લેવાના હેતુથી મુહિમ ચલાવી રહ્યા છે. જે ક્રમમાં અમરાવતી અને ઉદયપુરમાં બદલો લેવામાં આવ્યો છે, એ જ ક્રમમાં 26 લોકોનું નામ અને સરનામું આપવામાં આવ્યું હતું. આ અંગે એફઆઈઆર કોપીમાં ઉલ્લેખ છે. ધરપકડ થયેલા સંદિગ્ધ આતંકીઓ પાસેથી પોલીસે છાપેમારી દરમિયાન કેટલાક દસ્તાવેજ પણ મેળવ્યા છે જેમાં 2047 સુધી ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની ચર્ચા થઈ હોવાનો ઉલ્લેખ છે.
ફુલવારી શરીફના પોલીસ અધિકારી મનીષ કુમારે જણાવ્યું કે, બુધવારે મોડી રાત્રે ઝારખંડના સેવાનિવૃત પોલીસ અધિકારી મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝની ધરપકડ કરાઈ છે. તેમણે કહ્યું કે, જલાલુદ્દીન પહેલાં સ્ટુડેંટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલો હતો. મનીષ કુમારે કહ્યું કે, જલાલુદ્દીનના મકાનમાં સ્થાનિક લોકોએ માર્શલ આર્ટ અથવા શારીરિક શિક્ષાના નામે અસ્ત્ર-શસ્ત્રની તાલિમ આપી હતી અને ધાર્મિક ઉન્માદ ફેલાવા માટે ઉશ્કેરણી કરી હોવાનું પણ સામે આવ્યું છે.