Tokyo Olympics 2020: હાલ ટોક્યો ઓલિમ્પિક 2020 રમાઈ રહી છે. જેમાં ભારતમાંથી અત્યાર સુધીના સૌથી વધુ એથલિટ ભાગ લેવા ગયા છે. આ તમામ એથલિટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર સ્પેશિયલ ગેસ્ટ તરીકે મળવા બોલાવ્યા છે.
ઓલિમ્પિકમાં ભારતના પ્રદર્શન પર શું કહ્યું પીએમ મોદીએ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આ વખતે ઓલિમ્પિકમાં ભારતના અત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓએ ક્વોલિફાય કર્યુ છે. સો વર્ષની સૌથી મોટી આફત સામે ઝઝૂમીને આમ કર્યુ છે તે યાદ રહે. કેટલાક ખેલાડીઓ તો એવા છે જેમણે પ્રથમ વખત ક્વોલિફાય કર્યુ છે. માત્ર ક્વોલિફાય જ નથી કર્યુ પરંતુ ટક્કર પણ આપી છે. ભારતીય ખેલાડીઓનો જોશ, ઝનૂન આજે સર્વોચ્ચ સ્તર પર છે. જ્યારે યોગ્ય ટેલેન્ટની ઓળખ થાય અને તેમને પ્રોત્સાહન મળે ત્યારે આવો આત્મવિશ્વાસ આવે છે. જ્યારે વ્યવસ્થા બદલાય છે ત્યારે આત્મવિશ્વાસ આવે છે. આ નવો આત્મવિશ્વાસ ન્યૂ ઈન્ડિયાની ઓળખ બની રહી છે.
પુરુષ હોકી સેમિ ફાઇનલમાં ભારતની હાર બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું
ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષ હોકીની સેમીફાઈનલમાં ભારતની હાર થઈ હતી. સેમી ફાઈનલમાં બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી હતી. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. આગામી 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. પ્રધાનમંત્રી મોદી પણ આ મુકાબલો નીહાળવા સવારે ટીવી સામે ગોઠવાઈ ગયા હતા અને આ અંગે ટ્વીટ કરીને ખુદ માહિતી આપી હતી. જોકે ભારતની હાર બાદ પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ હતું. મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “હાર-જીત જીવનનો ભાગ છે. ટોક્યો 2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને આ જ મહત્ત્વનું છે. ટીમને આગામી મેચ અને તેના ભવિષ્યના પ્રયત્નો માટે શુભકામનાઓ, ભારતને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે.
આ પહેલા મુકાબલો શરૂ થયું પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું ભારત અને બેલ્જિયમની હોકી પુરુષ સેમીફાઈનલ જોઈ રહ્યો છું. અમને આપણી ટીમ અને તેની કુશળતા પર ગૌરવ છે. તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!