PM Modi USA Visit:  PM નરેન્દ્ર મોદી 20 જૂને અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે, જ્યાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરશે. પીએમ મોદી રાષ્ટ્રપતિ બાઇડેનના આમંત્રણ પર જ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. અમેરિકા બાદ પીએમ મોદી ઇજિપ્તની પણ મુલાકાત લેશે. તેઓ 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તના પ્રવાસે જશે. આ દરમિયાન પીએમ ઘણા જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. પીએમ મોદીની આ મુલાકાતને લઈને વિદેશ મંત્રાલય દ્વારા માહિતી શેર કરવામાં આવી છે.


પીએમ મોદીનું અમેરિકા પ્રવાસનું  શિડ્યૂલ


PM મોદી 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી 22 જૂને વ્હાઇટ હાઉસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને PM મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવશે. આ પછી, વડા પ્રધાન 23 જૂને એક સમુદાય કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે, જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.






વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી 22 જૂને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર કેવિન મેકકાર્થી અને સેનેટના સ્પીકર ચાર્લ્સ શૂમર સહિત અનેક ધારાસભ્યોના આમંત્રણ પર યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. એક દિવસ પછી, 23 જૂને, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન મોદીના સન્માનમાં લંચનું આયોજન કરશે.


વડાપ્રધાન તરીકે ઈજિપ્તની પ્રથમ મુલાકાત


પીએમ મોદી સત્તાવાર બેઠકો ઉપરાંત ઘણી મોટી કંપનીઓના સીઈઓ અને અન્ય અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે. તેમના બે દેશોના પ્રવાસના બીજા તબક્કાના ભાગરૂપે, વડાપ્રધાન મોદી 24 થી 25 જૂન સુધી ઇજિપ્તની સરકારી મુલાકાતે કૈરો જશે. મોદી આ મુલાકાત ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર કરી રહ્યા છે. અલ-સીસીએ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તે જ સમયે વડાપ્રધાનને ઇજિપ્તની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન તરીકે મોદીની આ પ્રથમ ઈજિપ્તની મુલાકાત હશે.