નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે નવરાત્રિ પર્વની લોકોને શુભેચ્છા પાઠવી હતી. નવ દિવસના મહોત્સવની આજથી શરૂઆત થઈ છે અને 26 ઓક્ટોબરના રોજ વિજયા દશમી અને દુર્ગા વિસર્જન સાથે સમાપ્ત થશે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું, 'નવરાત્રિના શુભ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જગત જનની મા જગદંબા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે. જય માતા દી!

નવરાત્રી હિન્દુ ધર્મનો સૌથી લાંબો અને વધુ સમય સુધી ઉજવાતો તહેવાર છે. આ પાછળનું ધાર્મિક કારણ એ છે કે, માતાજીએ સતત નવ દિવસ સુધી જુદા જુદા સ્વરૂપ સાથે રાક્ષસોનો સંહાર કર્યો હતો. આ પ્રત્યેક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતાજીના આ દરેક સ્વરુપના ગુણ અને ખૂબીઓ જુદી જુદી છે. આમ તો દરેક તિથિમાં પૂનમ અને આઠમનું ખૂબ મહત્વ હોય છે.

આજથી માઁ જગદંબાની આરાધનાનો મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગતા અર્વાચીન તેમજ પ્રાચીન રાસ ગરબા જાહેરમાં યોજાશે નહિં. સમગ્ર રાજ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી લોકો ઘરમાં રહીને જ કરશે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લા રહેશે.