વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આજે વર્ચ્યુઅલી બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી બે લોકશાહી તરીકે અમે સ્વાભાવિક ભાગીદાર છીએ. તેમણે કહ્યું કે, અમારી વચ્ચે આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેનની સ્થિતિ ખૂબ જ પરેશાન કરે એવી અને ચિંતાજનક છે. 


પીએમ નરેન્દ્ર મોદીએ આ બેઠક દરમિયાન યુક્રેનના બુચામાં થયેલા નરસંહારનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, બુચામાં નિર્દોષ નાગરિકોની હત્યાના સમાચાર ખૂબ જ ચિંતાજનક છે. અમે તાત્કાલિક આ નરસંહારની નિંદા કરી અને તેની પારદર્શી તપાસની માંગણી કરી. તેમણે કહ્યું કે, અમને આશા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતથી શાંતિનો સ્થાપિત કરી શકાશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિઓ સાથે વાત કરી છે. મેં રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાત કરવાનું સૂચન કર્યું છે.


આ સાથે બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, હું ભયાનક હુમલાઓનો ભોગ બનેલા યુક્રેનના લોકો માટે ભારતે આપેલા માનવતાવાદી સમર્થનનું સ્વાગત કરું છું. અમે મજબૂત અને પ્રગતિશીલ સંરક્ષણ ભાગીદારીને મહત્વ આપીએ છીએ.


આ બેઠક પહેલા જો બાઇડેને એક ટ્વીટમાં કહ્યું હતું કે- 'આજે ભારતમાં વડાપ્રધાન મોદીની સાથે એક વર્ચ્યુઅલ બેઠકમાં મુલાકાત કરીશ. હું અમારી સરકાર, અર્થવ્યવસ્થાઓ અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બને તેવી આશા રાખું છું.'