ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાનના છ તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને હવે છેલ્લા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ચૂંટણી પ્રચાર માટે રોડ શો કર્યો હતો. વડાપ્રધાને રોડ શો દરમિયાન ચાના સ્ટોલ પર જઈને ચાની ચુસ્કીઓ પણ લીધી હતી. આ પહેલાં વારાણસીમાં પોતાના રોડ શોનું સમાપન કરતી વખતે વડાપ્રધાને જીતનો સંકેત આપ્યો હતો. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિત મદન મોહન માલવીયની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પી હતી. ખાસ વાત એ છે કે, પીએમ મોદીના રોડ શોમાં મુસ્લિમ સમુદાયના લોકો પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.






પીએમ મોદીનો લગભગ ત્રણ કિલોમીટર લાંબો રોડ શો શહેરના ઉત્તર વિધાનસભા મતવિસ્તારથી શરૂ થયો હતો અને દક્ષિણ વિધાનસભા થઈને કેન્ટોનમેન્ટમાં સમાપ્ત થયો હતો. પીએમના સ્વાગત માટે તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પીએમ મોદીના રોડ શોમાં ભાજપના સમર્થકો ઉમટ્યા હતા અને પીએમએ પણ હાથ જોડીને સૌનું અભિવાદન કર્યું. પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીનો રોડ શો સરદાર પટેલ ચોકડીથી શરૂ થયો હતો.


પીએમ મોદી વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પણ પહોંચ્યા હતા. મોદીએ વિશ્વનાથ મંદિરમાં ડમરુ વગાડ્યું હતું. આ દરમિયાન તેમના સમર્થનમાં ઘણા લોકો ત્યાં દેખાયા હતા. મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓ હાલમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના પ્રચારમાં વ્યસ્ત છે. છેલ્લા તબક્કાનું 7 માર્ચે મતદાન યોજાનાર છે. વારાણસીમાં રોડ શો દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. તેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એક જગ્યાએ મોદીના કાફલાની આસપાસ મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો જોવા મળ્યા હતા.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મિર્ઝાપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. અહીં તેમણે કહ્યું કે, છ તબક્કામાં ઉત્તર પ્રદેશે ભાજપ અને એનડીએના સુશાસન માટે ભારે મતદાન કર્યું છે. હવે વારો છે મિર્ઝાપુર, ભદોહી અને આ સમગ્ર પ્રદેશનો. સ્થૂળ પરિવારવાદીઓ, માફિયાવાદીઓને ફરીથી હરાવવા પડશે અને તેમને મજબૂત રીતે પરાજિત કરવા પડશે.