નવી દિલ્હીઃ યુક્રેન સંકટ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમારી પ્રથમ એડવાઈઝરી જાહેર થયા બાદ 20,000થી વધુ ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ‘ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનથી લગભગ 10,348 ભારતીયોને લઈને અત્યાર સુધીમાં 48 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે. આગામી 24 કલાકમાં વધુ 16 ફ્લાઈટ શેડ્યૂલ છે.






બાગચીએ કહ્યું કે આગામી 24 કલાકમાં 16 ફ્લાઈટ ભારત પહોચશે ત્યારબાદ યુક્રેનની સરહદ પાર કરી ચૂકેલા લગભગ તમામ ભારતીયો ભારત પહોંચી જશે. કેટલાક લોકો હજુ પણ યુક્રેનમાં છે. અમે ભવિષ્યમાં પણ આ કાર્ય  ચાલુ રાખીશું.






તેમણે કહ્યું કે અમે પૂર્વ યુક્રેન ખાસ કરીને ખારકિવ અને પિસોચિન પર સૌથી વધુ ધ્યાન આપી રહ્યા છીએ. તે વિસ્તારોમાં પાંચ બસો અગાઉથી નાગરિકોને બહાર કાઢવા માટે દોડાવવામાં આવી રહી છે. આગામી સમયમાં કેટલીક વધુ બસો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પિસોચિનમાં 900-1000 ભારતીયો ફસાયેલા છે. એ જ રીતે સુમીમાં 700થી વધુ ભારતીય નાગરિકો છે. અમને સુમીની ચિંતા છે.






તેમણે કહ્યું કે અમે યુક્રેનિયન પ્રશાસન સમક્ષ સ્પેશિયલ ટ્રેનની માંગણી કરી હતી, પરંતુ હજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી. અમે ભારતીયોને બહાર કાઢવા માટે દરેક શક્ય રીતે પ્રયાસ કરી રહ્યા છીએ. તેમને સુરક્ષિત દેશ પરત લાવવા એ અમારી પ્રાથમિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે જો યુદ્ધવિરામ થાય તો તે સારી બાબત ગણાશે. યુદ્ધવિરામ વિના અમારું કામ મુશ્કેલ બની રહ્યું છે. અમે યુક્રેન અને રશિયાને યુદ્ધવિરામની વિનંતી કરીએ છીએ જેથી કરીને અમે અમારા લોકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢી શકીએ.