PM Modi Flags Off Vande Bharat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓક્ટોબરના રોજ દેશને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી હતી. પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના ઉના રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. નવી વંદે ભારત ટ્રેન હિમાચલ પ્રદેશના અંબ-અંદૌરાથી નવી દિલ્હી વચ્ચે દોડશે. 19 ઓક્ટોબરથી આ ટ્રેન સામાન્ય લોકો માટે શરૂ કરવામાં આવશે. પીએમ મોદી આજે હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે.






દેશની સૌથી ઝડપી વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને ઉના વચ્ચેનું અંતર લગભગ સાડા પાંચ કલાકમાં પૂર્ણ કરશે. આ દરમિયાન આ ટ્રેન અંબાલા, ચંદીગઢ અને આનંદપુર સાહિબ સ્ટેશન પર બે-બે મિનિટ રોકાશે.






અગાઉ, 30 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વંદે ભારત અને મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ટ્રેનની સફર પણ કરી હતી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેનને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર 8 કલાકથી ઘટીને સાડા પાંચ કલાક થઈ જશે.


મહત્વનું છે કે વંદે ભારત ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોઇલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર સહિતની તમામ સુવિધાઓ છે. નવી સુવિધાઓથી સજ્જ, નેક્સ્ટ જનરેશન વંદે ભારત 2.0 ટ્રેન કવચથી સજ્જ છે. આ અંતર્ગત દરેક કોચમાં ચાર ઈમરજન્સી વિન્ડો ઉમેરવાથી વધુ સુરક્ષા મળશે.