વડાપ્રધાનની અપીલ બાદ દેશભરમાં લોકોએ પોતાના ઘરે લાઈટ બંધ કરી દીવડા, મીણબતી અને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી છે. દેશભરમાંથી કોરોનાની આ જંગ દરમિયાન ખૂબ જ શાનદાર તસવીર જોવા મળી રહી છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, લખનઉ સહિત અલગ-અલગ શહેરોમાં એકજૂટતાની ખૂબ જ અદ્ભૂત તસવીર જોવા મળી રહી છે.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પણ દીપ પ્રગટાવી સંદેશ આપ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે દીવડા પ્રગટાવી સંદેશ આપ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દીવડા પ્રગટાવી સંદેશ આપ્યો હતો.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દીવડા પ્રગટાવ્યા હતા.
3 એપ્રીલે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દેશવાસીઓને એકતા બતાવવા માટે 5 એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યે ઘરની લાઇટો બંધ કરી દીવડા પ્રગટાવવાની અપીલ કરી હતી. કોરોનાના અંધકારને પ્રકાશની તાકાતથી હરાવવાની જરૂર છે. આ માટે વડાપ્રધાને લોકોને દિવો પ્રગટાવવાની અપીલ કરી હતી. જેનો હેતું એકતાનો સંદેશ આપવાનો હતો.
વડાપ્રધાન નરેંદ્ર મોદીની અપીલ પર 22 માર્ચે જનતા કર્ફ્યૂ દરમિયાન દેશમાં એકજૂટતા જોવા મળી હતી. આ દિવસે વડાપ્રધાને કોરોના સામેની લડાઈમાં જોડાયેલા સ્વાસ્થ્યકર્મી, પોલીસ અને અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોના સન્માનમાં પાંચ વાગ્યે પાંચ મિનિટ સુધી તાળી અને થાળી વગાડવાની અપીલ કરી હતી. આ અપીલ પર સમગ્ર દેશે એક સાથે તાળી, થાળી અને શંખ વગાડીએ આ યુદ્ધમાં પોતાની એકજૂટતા બતાવી હતી.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણા કેસની સંખ્યા વધીને 3500ને પાર પહોંચી છે અને મૃતકોની સંખ્યા 83 પર પહોંચી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, 3,219 લોકો હજુ પણ કોવિડ-19થી સંક્રમિત છે, જ્યારે 274 લોકો સ્વસ્થ્ય થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દેશમાં હવે 3577 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.