નવી દિલ્હીઃ  કોરોના વાયરસને લઈ લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે 18મો દિવસ છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી. જેમાં દિલ્હીના સીએમ કેજરીવાલ, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સહિત 10 રાજ્યના મુખ્યમંત્રીઓ લોકડાઉનના વધારવાનું સમર્થન કર્યુ હતું.


રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ પૂર્ણ થયાની ગણતરીની મીનિટોમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, “પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાનો યોગ્ય ફેંસલો લીધો છે. સમય પર લોકડાઉનના કારણે આજે ભારતની સ્થિતિ બીજા વિકસિત દેશો કરતા ઘણી સારી ચે. જો હાલ તે ખતમ કરી દેવામાં આવે તો બધુ બેકાર થઈ જશે. સ્થિતિને ઠીક કરવા માટે લોકડાઉન વધારવું જરૂરી છે.” જોકે પ્રધાનમંત્રી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીઓ સાથે વાતચીત બાદ પ્રધાનમંત્રીએ તેમના ફાઇનલ રિમાર્કમાં દેશમાં લોકડાઉન બે સપ્તાહ સુધી લંબાવવાનો ફેંસલો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી આજે રાત્રે દેશને સંબોધિત કરી શકે છે. રાષ્ટ્રજોગ સંબોધનમાં તેઓ લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે.


લોકડાઉન દરમિયાન થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને લોકોને લોકડાઉનનું કડક પાલન કરવાની અપીલ કરી હતી.



કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોનાથી 7447 લોકો સંક્રમિત થયા છે. આ વાયરસે 239 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 642 લોકો તેમાંથી સાજા થઈ ગયા છે.