નવી દિલ્હીઃ દેશમાં કોરોના  વાયરસના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં સાત હજારથી વધુ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. કોરોના વાયરસને  ફેલાવતો અટકાવવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જોકે, આ લોકડાઉનને વધારવામાં આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદી તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક કરી રહ્યા છે.



માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં દેશમાં લોકડાઉન વધારવા પર નિર્ણય લેવામાં આવી શકે છે. વડાપ્રધાન મોદીએ બેઠકમાં કોરોના વાયરસને લઇને વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. સાથે કોરોના સામે લડવાને લઇને રાજ્યો પાસેથી સૂચનો માંગ્યા હતા. વડાપ્રધાને  મુખ્યમંત્રીઓને કહ્યું કે, તેઓ 24 કલાક તેમના માટે ઉપલબ્ધ છે. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસને લઇને પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ બેઠકમાં 30 એપ્રિલ સુધી લોકડાઉનને વધારવાની માંગ કરી હતી. કેજરીવાલે કહ્યું કે, લોકડાઉન વધારવાનો નિર્ણય રાષ્ટ્રીય સ્તર પર હોવો જોઇએ. રાજ્ય પોતાના સ્તર પર નિર્ણય કરશે તો એટલી અસર નહી થાય. કોઇ પણ પ્રકારની છૂટ આપવામાં આવે તો ટ્રાન્સપોર્ટ શરૂ કરવા જોઇએ નહીં.

જોકે, આ બેઠક અગાઉ ઓડિશામાં 30 એપ્રિલ સુધી લોકડાઉન અને પંજાબમાં એક મે સુધી કરફ્યૂ વધારવાનો નિર્ણય લીધો છે.