નવી દિલ્હીઃ દેશના આજથી કોરોના રસીકરણનો વધુ એક તબક્કો શરૂ થયો છે.  આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ રસીને પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેઓ કોઈપણ જાતની સુરક્ષા વગર ત્યાં પહોંચ્યા હતા.

ક્યા રાજ્યના છે નર્સ

પીએમ મોદીને વેક્સીનનો ડોઝ આપનારી નર્સ પુડ્ડચેરીની રહેવાસી છે અને તેનું નામ પી.નિવેદા છે. સિસ્ટર પી નિવેદા એઇમ્સમાં હેલ્થ વર્કર તરીકે કામ કરે છે.  એક ચેનલના રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષથી એઇમ્સમાં નોકરી કરે છે અને હાલ વેક્સીન સેન્ટરમાં ફરજ બજાવે છે. સિસ્ટરે પીએમને રસી આપવાનો તેના જીવનનો સૌથી યાદગાર અનુભવ ગણાવ્યો હતો. રસીનો ડોઝ લીધી બાદ પ્રોટોકોલ પ્રમાણે  મોદી અડધી કલાક ત્યાં રોકાયા હતા.

મોદીએ ક્યારે લીધી રસી

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો.  પીએમએ આસામી ગમછો ખંભે નાંખ્યો  હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.



મોદીએ રસી લીધા બાદ શું કર્યુ ટ્વીટ

મોદીએ ટ્વીટ કરીને લખ્યું, કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી આપવામાં જે ઝડપથી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે ઉલ્લેખનીય છે. જે લોકો વેક્સીન લેવા યોગ્ય છે તે તમામને વેક્સીન લેવાની અપીલ કરું છું. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.