નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા બેઠકથી ચૂંટણી લડશે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠક ત્રણ કલાક સુધી ચાલી હતી. નોંધનીય છે કે અગાઉ એવા પણ રિપોર્ટ આવ્યા હતા કે વડાપ્રધાન મોદી ઓડિશાની પુરી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે પરંતુ હવે આ તમામ અટકળો પર વિરામ મુકાઇ ગયો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી ગુજરાતની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અને અહીંથી જીત મેળવી હતી. જોકે, બાદમાં તેમણે આ બેઠક છોડી દીધી હતી.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ત્રણ લાખ 71 હજાર મતોથી હાર આપી હતી. વડાપ્રધાન મોદીને કુલ પાંચ લાખ 81 હજાર મત મળ્યા હતા. આ બેઠક પર કોગ્રેસ ઉમેદવાર અજય રાયની ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી. તેમને ફક્ત લગભગ 75 હજાર મત મળ્યા હતા.