Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં ચાલી રહેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રામ લાલાને 22 જાન્યુઆરી, 2024ના રોજ ગર્ભગૃહમાં બેસાડવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લેશે. આ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.રામ લાલાના અભિષેકના એક સપ્તાહ પહેલા પૂજા શરૂ થશે. અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ચાલી રહેલી મેરેથોન બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રબંધન સમિતિની બાગડોર RSS નેતા ભૈયાજી જોશીના હાથમાં રહેશે.વડાપ્રધાન મોદીના આગમન પહેલા અયોધ્યામાં વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવશે.




લોકસભાની ચૂંટણી પહેલા મંદિરનું ઉદ્ઘાટન


અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરનું નિર્માણ કાર્ય ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે. રામલલા માટેનું ગર્ભગૃહ પણ ત્યાં સુધીમાં તૈયાર થઈ જશે. 22 જાન્યુઆરીએ ભગવાન રામ આ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. દેશ-વિદેશમાં રહેતા દરેક રામ ભક્ત આ તારિખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રામ મંદિરના ઉદ્ઘાટનમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય ઘણા જાણીતા લોકો અને સંતો હાજર રહેશે. આ પહેલા તાજેતરમાં સીએમ યોગી અયોધ્યા ગયા હતા અને રામ મંદિર નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા મંદિરનું ઉદ્ઘાટન થઈ શકે છે. લોકસભાની ચૂંટણી મે મહિનામાં પ્રસ્તાવિત છે.


મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનો પહેલો માળ લગભગ તૈયાર છે. મંદિરના ઉદ્ઘાટન બાદ મંદિર તમામ ભક્તો માટે હંમેશ માટે ખુલ્લું મુકવામાં આવશે. મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે મંદિરમાં 42 દરવાજા લગાવવામાં આવશે. મંદિરના ગર્ભગૃહમાં એક નાનો સોનાનો દરવાજો પણ સ્થાપિત કરવામાં આવશે. મંદિરના દરવાજા પર મોર, કળશ, ચક્ર અને ફૂલોની કોતરણી કરવામાં આવશે. ગર્ભગૃહમાં ભગવાન રામની બે બાળ સ્વરુપ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. તેમાંથી એક મૂર્તિ જંગમ અને બીજી સ્થાવર હશે. ગર્ભગૃહની દિવાલો પર સફેદ આરસપહાણ લગાવવામાં આવશે.