નવી દિલ્હીઃ મોદી મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે મંત્રાલયોની ફાળવણી કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન એટલે કે સહકારિતા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય આજે શપથ લેનારા ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને ઉદ્યોગ મંત્રાલય પોતે સંભાળશે. તે સિવાય કોગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને સિવિલ એવિએશન મંત્રાલય સોંપવામાં આવ્યું છે.





મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે સાથે રસાયણ અને ફર્ટિલાઇઝર મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે 53 મંત્રાલયોને હવે 30 કેબિનેટ મંત્રી સંભાળશે. તે સિવાય અશ્વિનિ વૈષ્ણવ હવે દેશના નવા રેલવે મંત્રી હશે. તેમણે આઇટી મંત્રીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તે સિવાય ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રધાનને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.





સિવિલ એવિએશન મંત્રી રહેલા હરદીપસિંહ પૂરી હવે દેશના પેટ્રોલિયમ મંત્રી હશે. તેમની પાસે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી પણ રહેશે. અનુરાગ ઠાકુરને સૂચના અને પ્રસારણ મંત્રાલય અને યુવા અને રમતગમત મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મિનાક્ષી લેખી વિદેશ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તે સાથે તેમની પાસે સંસ્કૃતિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય પશુપતિ પારસને સોંપવામાં આવ્યું છે અને કોમર્સ મિનિસ્ટર પિયૂષ ગોયલને હવે કાપડ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે.





સ્મૃતિ ઇરાની હવે ફક્ત મહિલા અને બાળ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. આ અગાઉ તેમની પાસે કાપડ મંત્રાલય પણ હતું જેને હવે પિયૂષ ગોયલને સોંપવામાં આવ્યું છે. તે સિવાય ભૂપેન્દ્ર યાદવને શ્રમ મંત્રાલયની  જવાબદારી સોંપવામાં આવી છે. ગિરિરાજ સિંહ ગ્રામીણ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે.






હવે દેશના નવા કાયદા મંત્રી કિરણ રિજિજૂ હશે. તે સિવાય આરકે સિંહને ઉર્જા મંત્રી બનાવવામાં આવ્યા છે. આરકે પૂર્વ આઇએએસ અધિકારી છે. આરકે સિંહ દેશના ગૃહ સચિવ રહી ચૂક્યા છે. સર્બાનંદ સોનોવાલને આયુષ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તે સિવાય તેમની પાસે શિપિંગ વોટરવેજ મંત્રાલય રહેશે. નારાયણ રાણેને લઘુ મધ્ય ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે.




બીએલ વર્માની પાસે પૂર્વોત્તર રાજ્યોના મંત્રાલય સિવાય સહકારિતા મંત્રાલયમાં રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે એટલે કે તેઓ અમિત શાહના રાજ્યમંત્રી હશે. નિશિત પ્રમાણિકને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અજય કુમાર મિશ્રાને પણ ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.


વડાપ્રધાન મોદી પાસે કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય રહેશે. અમિત શાહ પાસે ગૃહ અને સહકારિતા મંત્રાલય, રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી અને નિર્મલા સીતારમણ નાણા અને કોર્પોરેટર મામલાના મંત્રી રહેશે.


પંકજ ચૌધરીને નાણા રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અનુપ્રિયા પટેલને કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અજય ભટ્ટને સંરક્ષણ અને પર્યટન વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે અજય કુમારને ગૃહ વિભાગમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. અન્નપૂર્ણા દેવીને શિક્ષણમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. એ.નારાયણસ્વામીને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સોંપવામાં આવ્યા છે. કૌશલ કિશોરને શહેરી વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.