નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કેરલના પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદી આ બંન્ને રાજ્યોને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. વડાપ્રધાન મોદી તમિલનાડુમાં એઇમ્સનું ખાતમૂહર્ત કરશે જ્યારે કેરલમાં રિફાઇનરી પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. બંન્ને રાજ્યોમાં વડાપ્રધાન મોદી પબ્લિક મીટિંગ પણ કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ સાથે વડાપ્રધાન મોદી દક્ષિણ ભારતમાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તમિલનાડુના મદુરૈમાં પ્રસ્તાવિત એઇમ્સનું ખાતમૂહર્ત કરશે. 750 બેડની સુવિધા ધરાવતી આ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ 200 એકરની જમીન પર બનશે જેના પર લગભગ 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

નોંધનીય છે કે 2015-16ના બજેટમાં તમિલનાડુમાં એઇમ્સની મંજૂરી મળી હતી. વડાપ્રધાન મોદી રાજાજી મેડિકલ કોલેજ મદુરૈ, તંજાવુર મેડિકલ કોલેજ અને તિરુનેલવેલી મેડિકલ કોલેજના સુપર સ્પેશ્યાલિટી બ્લોકનું ઉદ્ધાટન કરશે. બાદમાં વડાપ્રધાન મોદી એક જનસભાને પણ સંબોધશે. તમિલનાડુ ભાજપના નેતાઓ આ પ્રવાસને સફળ બનાવવા માટે અનેક સમયથી તૈયારીઓ કરી રહ્યા છે. નોંધનીય છે કે તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે. જોકે, પાર્ટીને આશા છે કે એઆઇએડીએમકે સાથે તેનું ગઠબંધન થઇ શકે છે.

તમિલનાડુ બાદ વડાપ્રધાન મોદી કેરલ પહોંચશે. જ્યાં તેઓ ઇન્ટીગરેટેડ રિફાઇનરી એક્સપેન્શન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. આ સ્થાન પર વડાપ્રધાન મોદી પેટ્રોકેમિકલ કોમ્પલેક્સનું ઉદ્ધાટન કરશે. અહીં ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં યુવાઓને ટ્રેનિંગ અપાશે. ત્યારબાદ સવા ચાર વાગ્યે વડાપ્રધાન મોદી ત્રિચૂરમાં જનસભા સંબોધશે.