Buddha Purnima 2022: PM નરેન્દ્ર મોદી નેપાળ પહોંચી ગયા છે. જ્યાં તેમણે નેપાળના પીએમ શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી અને મહામાયા મંદિરમાં પૂજા અર્ચના કરી. પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, "બુદ્ધ પૂર્ણિમાના ખાસ અવસર પર નેપાળમાં આગમન, આ અવસર પર અહીં અદ્ભુત લોકોમાં સામેલ થઈને ખુશ છું અને લુમ્બિનીના કાર્યક્રમોની રાહ જોઈ રહ્યા છીએ." પોતાના સમકક્ષ દેઉબાના આમંત્રણ પર પીએમ મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર લુમ્બિનીની એક દિવસીય મુલાકાતે છે.


2014 પછી વડાપ્રધાનની નેપાળની આ પાંચમી મુલાકાત છે. પીએમ મોદી અને તેમની ટીમ ઉત્તર પ્રદેશના કુશીનગરથી ભારતીય વાયુસેનાના ખાસ હેલિકોપ્ટરમાં અહીં આવી પહોંચ્યા હતા. દક્ષિણ નેપાળના તેરાઈ મેદાનોમાં આવેલું, લુમ્બિની એ બૌદ્ધ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે, કારણ કે ત્યાંજ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો.


મુલાકાતે આવેલા વડાપ્રધાન લુમ્બિની મઠ વિસ્તારમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા માટેના કેન્દ્રના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહમાં પણ ભાગ લેશે. નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, "બેઠક દરમિયાન, તેઓ નેપાળ-ભારત સહયોગ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે." રવિવારે એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ગયા મહિને ભારતની મુલાકાત દરમિયાન નેપાળના વડા પ્રધાન દેઉબાને ફરીથી મળવા માટે ઉત્સુક છે.






આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે હાઈડ્રોપાવર, વિકાસ અને કનેક્ટિવિટી સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવાના મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી હતી. PM બુદ્ધ જયંતિ પર જનસભાને પણ સંબોધિત કરશે. નેપાળ સરકારના સહયોગથી લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટના સહયોગથી ભારતમાં સ્થિત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ દ્વારા વૈશ્વિક અપીલ સાથે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંસ્કૃતિ અને હેરિટેજ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ માટે ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય આર્થિક મદદ કરશે.