નવી દિલ્હીઃ શહીદ દિવસ પર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને દેશભરમાં યાદ કરવામાં આવી રહ્યા છે. આ અવસર પર વડાપ્રધાન મોદી સહિતના તમામ નેતાઓએ ટ્વિટ કર્યું હતુ. દેશ માટે પ્રાણનું બલિદાન આપનારા ત્રણેય શહીદોને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશના યુવાઓએ ન્યૂ ઇન્ડિયા  બનાવવામાં સહયોગ આપવો જોઇએ જેનાથી તેમનું સપનું પુરુ થઇ શકે. વડાપ્રધાન મોદી સિવાય શિવરાજ સિંહ ચૌહાણ, ચંદ્રબાબુ  નાયડુ, વસુંધરા રાજે, અમિત શાહ સહિતના નેતાઓએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને યાદ કર્યા હતા.


નોંધનીય છે કે 23 માર્ચના રોજ આ ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી. જેના પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, આઝાદીના અમર સેનાની વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શહીદ દિવસ પર શત-શત નમન. ભારત માતાના આ પરાક્રમી સપૂતોને  ત્યાગ, સંઘર્ષ અને આદર્શની કહાની આ દેશને  હંમેશા પ્રેરિત કરતી રહેશે. જય હિંદ. ટ્વિટ  સાથે વડાપ્રધાન મોદીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં મોદીએ કહી રહ્યા છે કે મહાપુરુષોએ બલિદાન આપ્યું ત્યારે દેશ આઝાદ થયો છે. જે રીતે યુવાઓએ સ્વતંત્રતા અપાવવા ભૂમિકા નિભાવી હતી તેવી જ  ભૂમિકા હવે યુવાઓએ ન્યૂ ઇન્ડિયા બનાવવામાં નિભાવવી જોઇએ.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ લખ્યું કે, શહીદ દિવસ પર હું ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને યાદ કરું છું. આશા છે કે આપણે એવું ભારત બનાવવામાં સફળ રહીએ જે માટે આ લોકોએ બલિદાન આપ્યું છે.