નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં બુંદેલખંડ એક્સપ્રેસ-વે સહિતની યોજનાઓનો શિલાન્યાસ કરશે. ચિત્રકૂટના જિલ્લા વિકાસ અધિકારી આર.કે.ત્રિપાઠીએ કહ્યુ કે, વડાપ્રધાન જિલ્લાના ગોંડા ગામથી 14,716.26 કરોડ રૂપિયાના  ખર્ચથી બનનારા 296.07 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ શનિવારે બપોરે દોઢ વાગ્યે  કરશે. આ અવસર પર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.


ત્રિપાઠીએ કહ્યું કે, પ્રોટોકોલ અનુસાર વડાપ્રધાન પ્રયાગરાજથી હેલિકોપ્ટર મારફતે ચિત્રકૂટના ગોંડા ગામ પહોંચશે અને બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ સ્થળ પર પૂજા અર્ચના  કરશે. બાદમાં  એક જનસભા સંબોધશે. તેમણે કહ્યુ કે, ત્યારબાદ વડાપ્રધાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરશે. બાદમાં તેઓ દિલ્હી પાછા રવાના થશે. વડાપ્રધાન મોદીએ આ પ્રવાસને લઇને એક ટ્વિટ પણ કર્યું હતું.