નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટના નામ પર દિલ્હીમાં થયેલી હિંસા રોકાઇ ગઇ છે પરંતુ દિલ્હીના રસ્તાઓ પર દહેશતનો માહોલ છે. હિંસામાં  માર્યા ગયેલા લોકોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી 41 લોકોના મોત થઇ ચૂક્યા છે. દિલ્હીમાં સુરક્ષાદળો દ્ધારા સતત શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.


સુપ્રીમ કોર્ટના વકીલ આલોક શ્રીવાસ્તવે દિલ્હી પોલીસ સમક્ષ એક ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં એફઆઇઆર દાખલ કરવા અને કાઉન્સિલર તાહિર હુસૈનની તરત ધરપકડ કરવાની વાત કરવામાં  આવી છે. દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યુ કે, અમે હથિયાર સંબંધમાં અત્યાર સુધીમાં 25 એફઆઇઆર દાખલ કરી છે. જ્યારે હિંસા દરમિયાન ચાર દિવસ સુધીમાં પોલીસને મદદ માટે  15000 પીસીઆર કોલ મળ્યા છે. રવિવારે હિંસા ભડકી હતી ત્યારે મદદ માટે  700 કોલ આવ્યા હતા.


કોગ્રેસનું પ્રતિનિધિમંડળ GTB હોસ્પિટલ પહોંચ્યું છે. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મુકુલ વાસનિક કરી રહ્યા છે. દિલ્હી હિંસાને  લઇને દિલ્હી મહિલા આયોગે પોલીસને નોટિસ જાહેર કરી છે. મહિલા આયોગે મહિલાઓ અને યુવતીઓ વિરુદ્ધ ગુનાઓની જાણકારી અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી માંગી છે.


દિલ્હી પોલીસના પીઆરઓ રંધાવાએ કહ્યું કે, દિલ્હી હિંસામાં 123 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. 630 લોકોને પકડવામાં આવ્યા છે જેમાં કેટલાકની ધરપકડ કરાઇ છે અને કેટલાકની અટકાયત કરાઇ છે.

દિલ્હી હિંસાના પીડિતો માટે મુખ્યમંત્રી કેજરીવાલે શુક્રવારે પણ વળતરની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે, જેમના ઘર સળગાવવામાં આવ્યા છે તેઓને 25-25 હજાર રૂપિયા રોકડા આપવામાં આવશે. આ રકમ શનિવાર બપોરથી આપવામાં આવશે. જે મદદ મેળવવા માંગે છે તે નોર્થ-ઇસ્ટ દિલ્હીના ડીએમનો  સંપર્ક કરી શકે છે.