આપણા સમાજમાં આજે પણ કેટલાક કામ કે વ્યવસાયોને સીધા જાતિ સાથે જોડી દેવામાં આવે છે. કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહીને બોલાવવા એ કદાચ સામાન્ય બાબત લાગતી હોય, પરંતુ હવે ઉદ્યોગ અંગેની સંસદીય સ્થાયી સમિતિએ આ પરંપરાગત નામો બદલવાની મહત્વની ભલામણ કરી છે. સમિતિનો હેતુ આ વ્યવસાયોને જાતિની ઓળખના બદલે કૌશલ્ય (સ્કીલ) સાથે જોડવાનો છે. કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો, માત્ર આ નામોથી બોલાવવું એ કોઈ ગુનો નથી, પરંતુ જો કોઈનું અપમાન કરવાના ઈરાદે જાહેરમાં તેનો ઉપયોગ થાય, તો 'એટ્રોસિટી એક્ટ' (SC/ST કાયદા) હેઠળ 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આખો મામલો શું છે, કોર્ટ શું કહે છે અને આવનારા સમયમાં કયા નવા ફેરફારો થવા જઈ રહ્યા છે.

વ્યવસાય હવે જાતિથી નહીં, આવડતથી ઓળખાશે

સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે દેશમાં 'પીએમ વિશ્વકર્મા યોજના' ચાલી રહી છે, પરંતુ કેટલાક લોકો તેમાં રજિસ્ટ્રેશન કરાવવાનું ટાળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે કુંભાર, વાળંદ કે મોચી જેવા શબ્દો સાથે એક ચોક્કસ જાતિની ઓળખ જોડાયેલી છે, જેના કારણે લોકોને સંકોચ થાય છે.

Continues below advertisement
Continues below advertisement

આ સમસ્યાના ઉકેલ માટે સમિતિએ સૂચન કર્યું છે કે આ વ્યવસાયોને વધુ પ્રોફેશનલ અને આધુનિક નામ આપવામાં આવે.

ઉદાહરણ તરીકે: 'મોચી' કહેવાના બદલે તેને "પગરખાં બનાવનાર" (ફૂટવેર મેકર) કહી શકાય.

તેવી જ રીતે 'કુંભાર'ના બદલે "માટી અને સિરામિકની વસ્તુઓ બનાવનાર" શબ્દ વાપરી શકાય.

'વાળંદ'ને "પર્સનલ ગ્રૂમિંગ સર્વિસ પ્રોવાઈડર" કહી શકાય.

જાતિવાચક શબ્દો બોલવા પર કાયદો શું કહે છે?

તમારા મનમાં સવાલ થતો હશે કે શું આ શબ્દો બોલવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે? તો જવાબ છે - ના. હાલમાં એવો કોઈ ચોક્કસ કાયદો નથી જે આ શબ્દોના સામાન્ય ઉપયોગ પર રોક લગાવતો હોય.

પરંતુ, જો તમે કોઈ વ્યક્તિની જાતિને નિશાન બનાવીને, તેને નીચા દેખાડવા કે અપમાનિત કરવાના ઈરાદે આ શબ્દોનો ઉપયોગ કરો છો, તો તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, ૧૯૮૯ (SC/ST એક્ટ) હેઠળ ગંભીર ગુનો બની જાય છે.

અપમાન કરવા પર કેટલી સજા થઈ શકે?

આ કાયદાની કલમ 3(1)(r) અને 3(1)(s) મુજબ, જો કોઈ SC/ST સમુદાયની વ્યક્તિને જાહેરમાં તેની જાતિના નામથી બોલાવીને ઈરાદાપૂર્વક અપમાનિત કરવામાં આવે, તો તે ફોજદારી ગુનો ગણાય છે.

સજાની જોગવાઈ: આ ગુના માટે દોષિતને ૬ મહિનાથી લઈને ૫ વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે.

મોટાભાગના કિસ્સાઓમાં આને ગંભીર અને બિન-જામીનપાત્ર ગુનો ગણવામાં આવે છે.

આ મામલે કોર્ટનો ચુકાદો શું છે?

છેલ્લા કેટલાક વર્ષોમાં સુપ્રીમ કોર્ટ અને અલાહાબાદ હાઈકોર્ટે આ કાયદાનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ તે અંગે બહુ સ્પષ્ટતા કરી છે:

માત્ર નામ લેવું ગુનો નથી: માત્ર કોઈને તેના વ્યવસાયના નામે બોલાવવું એ ફોજદારી ગુનો નથી.

ઈરાદો અને જાહેર સ્થળ જરૂરી: કાયદા હેઠળ સજા ત્યારે જ થાય જ્યારે તે સાબિત થાય કે બોલનારનો ચોક્કસ ઈરાદો જાતિ આધારિત અપમાન કરવાનો જ હતો અને આ ઘટના અન્ય લોકોની હાજરીમાં (જાહેરમાં) બની હતી.

જો બે લોકો વચ્ચે કોઈ ખાનગી જગ્યાએ વાતચીત થાય છે અને તેમાં કોઈને નીચા દેખાડવાનો ઈરાદો નથી, તો તે આ કાયદાના દાયરામાં આવતું નથી.