નવી દિલ્હી: સંસદમાં ગુરુવારે ‘પ્રોટક્શન ઑફ ચિલ્ડ્રેન ફ્રૉમ સેસક્સૂઅલ અફેન્સેસ એક્ટ (સુધારા) બિલ, 2019’ને મંજૂરી આપવામાં આવી છે. જેમાં બાળકો વિરુદ્ધ અપરાધના મામલામાં મૃત્યુદંડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભામાં આ બિલ પર ચર્ચા દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ વિષય રાજનીતિના ચશ્માં ન જોવામાં આવે, તેના પર રાજનીતિ કરવાનો પ્રયત્ન કરવામાં ન આવે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ એક એવી પહેલ છે જે બાળકો અને દેશના ભવિષ્ય માટે સુરક્ષિત દિશામાં લઈ જવાનો પ્રયાસ છે.


આ પહેલા આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ચુક્યું છે. આ બિલમાં બાળકો વિરુદ્ધ યૌન અપરાધના મામલામાં 20 વર્ષથી લઈને આજીવન જેલની સજા તથા દુર્લભ કેસોમાં મૃત્યુદંડ સુધીની જોગવાઈઓ કરવામાં આવી છે. આ બિલના માધ્યમથી ‘પ્રોટક્શન ઑફ ચિલ્ડ્રેન ફ્રૉર્મ સેસક્સૂઅલ અફેન્સેસ એક્ટ 2012’માં વધુ સુધારો કરવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે કાયદામાં સંશોધનથી કડક દંડનાત્મક જોગવાઈઓથી બાળકો સાથે જોડાયેલ જાતીય ગુનાઓમાં ઘટાડો આવવાની સંભાવના છે. તેનાથી મુશ્કેલીમાં ફસાયેલા બાળકોના હિતોની રક્ષા થઈ શકશે અને તેની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરી શકાશે. બિલમાં સુધારાનો ઉદ્ધેશ બાળકો સાથે જોડાયેલા મામલામાં દંડનાત્મક વ્યવસ્થાઓને વધુ સ્પષ્ટ કરવાની છે.

બિલના ઉદ્દેશ્યોમાં કહેવામાં આવ્યું છે. તેનો હેતુ જાતિય સતામણી અને બાળકોને નિશાન બનાવવા, અશ્લીલ સાહિત્યના અપરાધોથી બાળકોનું સંરક્ષણ કરવા અને એવા અનેક અપરાધો પર નજર રાખવા માટે વિશેષ કોર્ટની સ્થાપના કરવું અને તેને સંબંધિત વિષય છે.