નવી દિલ્હીઃ નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝનશિપ એટલે કે એનઆરસી પર આપવામાં આવેલા નિવેદનને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઇ છે. ભાજપ નેતા નીલકંઠ બક્ષી અને કપિલ મિશ્રાએ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્ધાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગુરુવારે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં તેમના વિરુદ્ધ એનઆરસીને લઇને શાંતિ ભંગ કરવા અને અફવા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


આ વચ્ચે ગુરુવારે કેજરીવાલના નિવેદનના વિરોધમાં ભાજના પૂર્વાચલ મોરચાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પોલીસે અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વાસ્તવમાં બુધવારે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં એનઆરસી લાગુ થવાને લઇને પૂછાયેલા સવાલ પર કહ્યુ હતું કે, જો એવું થશે તો દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીને દિલ્હી છોડવું પડશે. જેના પર મનોજ તિવારીએ વળતો પ્રહાર કરતા કેજરીવાલના જ્ઞાન પર સવાલ ઉઠાવ્યો હતો.

તિવારીએ કહ્યું કે, કેવી રીતે એક આઇઆરએસ અધિકારી જાણતા નથી કે એનઆરસી શું છે. કેજરીવાલને તેમણે પૂછ્યું હતું કે, અન્ય રાજ્યોમાંથી પલાયન કરી ચૂકેલા લોકોને તમે વિદેશી માનો છો. શું તમે તેઓને દિલ્હીમાંથી કાઢવા માંગો છો. તમે પણ તેમાંના એક છો. જો તમારો ઇરાદો એવો છે તો મને લાગે છે કે કેજરીવાલ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.