Kashmir Killings: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એક હત્યા કરી છે. આ વખતે પુલવામામાં એક સબ ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આતંકીઓએ ઘરમાં ઘૂસીને પોલીસ અધિકારીની હત્યા કરી હતી. આતંકીઓએ ઘરમાં ઘૂસીને સબ ઈન્સ્પેક્ટર ફારુક અહેમદ મીરને નિશાન બનાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ પોલીસ અધિકારીને તેમના ઘરમાંથી અપહરણ કરીને નજીકના ખેતરમાં લઈ જઈને ગોળી મારી દેવામાં આવી હતી. બેથી ત્રણ આતંકવાદીઓએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, સબ ઇન્સ્પેક્ટર ફારૂક અહેમદ મીર IRPની 23મી બટાલિયનના હતા અને હાલમાં તેઓ CTC લેથીપોરામાં તૈનાત હતા.






ટાર્ગેટ કિલિંગ અંગે ચિંતા વધી


આ હત્યા પાછળ કોનો હાથ છે જાણી શકાયું નથી. એક રિપોર્ટ અનુસાર, આ ઘટના મોડી રાત્રે બની હતી. આ પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેનાથી ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ચિંતા વધી છે. કારણ કે છેલ્લા એક મહિનામાં આતંકવાદીઓએ આ જ રીતે અનેક નાગરિકોની ગોળી મારીને હત્યા કરી હતી.






જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ માટે આતંકવાદીઓ એક નવો પડકાર ઉભો કરી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની 6 ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સતત આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી રહ્યા છે. ભૂતકાળમાં સુરક્ષા દળોએ લશ્કરના 6 આતંકવાદીઓને ઠાર કર્યા છે.