નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 28,000થી વધારે કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે પોણા નવ લાખને પાર કરી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 500 લોકોના મોત થયા છે અને 28,701 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8,78,254 પર પહોંચી છે અને 23,174 લોકોના મોત થયા છે. 5,53,471 લોકો સાજા થઈ ગયા છે અને 3,01,608 એક્ટિવ કેસ છે.



કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા (34,13,936) અને બ્રાઝીલ (18,66,176)માં છે.

ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 2,54,427 કેસ નોંધાય છે. જે પછી તમિલનાડુમાં 1,38,470, દિલ્હીમાં 1,12,494, ગુજરાતમાં 41,820 કેસ નોંધાયા છે.