Opposition Alliance : 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આગેવાનીમાં એક નવા જ વિપક્ષી મોરચાની રચના કરવામાં આવી છે. આજે બેંગલુરુમાં 26 વિપક્ષી પાર્ટીઓની બેઠક દરમિયાન મહાગઠબંધનના નામ પર મહોર મારવામાં આવી હતી. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, વિપક્ષી ગઠબંધનનું નામ યુપીએ જ રાખવામાં આવશે. જો કે, બપોરે 3 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ ગયું કે, વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં NDAનો સામનો 'INDIA' સામે થશે. જેનું આખુ નામ I થી ઈન્ડિયા, N થી નેશનલ, D થી ડેમોક્રેટિક, I થી ઈન્ક્લુઝીવ અને A થી એલાયન્સ રહેશે. India નામ રાખવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે.


વિપક્ષી નેતાઓના તરફથી એક પછી એક સામે આવતા 'ચક દે ઈન્ડિયા' ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે વિપક્ષે કયો દાખ ખેલ્યો છે. હવે રાષ્ટ્રવાદની ભાવનાથી રંગાયેલી ચૂંટણીમાં Indiaનું નામ વારંવાર સાંભળવા મળશે. વાસ્તવમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએ રાષ્ટ્રવાદની ઘણી વાતો કરે છે. એક નવો વેગ ઉભો કરવા અને મોદી-શાહની જોડી સામે વાતાવરણ ઊભું કરવા માટે આ નામ ખૂબ જ સાવધાનીપૂર્વક પસંદ કરવામાં આવ્યું હોવાનું સમજાય છે. સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વિપક્ષી મોરચાનું નામ 'India' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ પક્ષોએ સ્વીકારી લીધો હતો.






 


2024માં ભારત અને એનડીએ વચ્ચે મુકાબલો થશે


હવે ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'તો આ વખતે 2024 હશે, ટીમ ઈન્ડિયા Vs ટીમ એનડીએ ચક દે ઈન્ડિયા!' નામ બદલવા પાછળનો એક વિચાર એ પણ હોઈ શકે કે, યુપીએ મોરચાને 2004 અને 2009ની જેમ ઘણા સંકેતો મળ્યા હશે. વિરોધ પક્ષો ઈચ્છે છે કે, એનડીએ વિરુદ્ધ નવું અભિયાન શરૂ થાય. સંભવ છે કે કોંગ્રેસ પર મોરચાનું નામ બદલવાનું દબાણ હતું. યુપીએની આગેવાની કોંગ્રેસે કરી હતી અને આ વખતે તમામ વિપક્ષી પાર્ટીઓ કદાચ કોઈને નેતા માનવાના મૂડમાં ના હોય.






બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળે ટ્વિટ કરીને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, 'વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન ભારતનું પ્રતિબિંબ છે. હવે બીજેપીને ઈન્ડિયા કહેવામાં પણ પીડા અનુંભવાશે. જોકે, પાર્ટીની આ ટ્વીટ થોડા સમય બાદ ડિલીટ કરી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર India ગઠબંધનની ચર્ચા થઈ રહી છે. ભારતમાં INDIA vs NDAનો ટ્રેન્ડ શરૂ થયું છે.


https://t.me/abpasmitaofficial