મુંબઇઃ પોનોગ્રાફી કેસમાં જેલમાં બંધ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંન્દ્રાને  બોમ્બે હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં બોમ્બે હાઇકોર્ટે બિઝનેસમેન અને એક્ટ્રેસ શિલ્પાના પતિ રાજ કુંન્દ્રા અને રેયાન થોર્પની એ અરજીઓને ફગાવી દીધી હતી જેમાં મેજીસ્ટ્રેટ કોર્ટના રિમાન્ડના આદેશને પડકારવામાં આવ્યો હતો અને તત્કાળ છોડવાની માંગ કરવામાં આવી હતી. વાસ્તવમાં હાઇકોર્ટે અશ્લિલ ફિલ્મોના નિર્માણ અને એપ મારફતે તેને બતાવવા મામલે પોતાની ધરપકડને પડકારનારા રાજ કુંન્દ્રા અને તેના સહયોગી રેયાન થોર્પની અરજીઓ પર સોમવારે સુનાવણી પૂર્ણ થઇ હતી અને કહેવામાં આવ્યું  હતું કે આના પર બાદમાં નિર્ણય આપવામાં આવશે.


પોલીસે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્ધારા આ વર્ષે ફેબ્રુઆરીમાં દાખલ કેસની તપાસમાં રાજ કુંન્દ્રા સહયોગ કરી રહ્યો નથી અને તેણે પુરાવાઓ નષ્ટ કરી દીધા છે. પોલીસના આ દાવાઓનું રાજ કુંન્દ્રાના વકીલે ખંડન કર્યું. રાજ કુંન્દ્રા અને શોર્પે અરજીઓમાં પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવી દલીલ કરી હતી કે સીઆરપીસીની કલમ 41 એ હેઠળ તેમને નોટિસ આપવાની અનિવાર્ય જોગવાઇનુ પાલન કરવામાં આવ્યું નથી. બંન્ને અરજીમાં હાઇકોર્ટેને તેમને છોડવાના અને ધરપકડ બાદ એક મેજીસ્ટ્રેટ  દ્દારા તેમને  પોલીસ કસ્ટડીમાં મોકલવાના બંન્ને આદેશોને રદ કરવાની અપીલ કરવામાં આવી હતી.


મુંબઇ પોલીસ દ્દારા કરાયેલી ધરપકડને પડકારતી અરજી પર બોમ્બે હાઇકોર્ટે 2 ઓગસ્ટના રોજ આદેશ સુરક્ષિત રાખ્યો હતો. આજે જસ્ટિસ એએસ ગડકરીએ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્ધારા કસ્ટડીમાં રિમાન્ડ કાયદા અનુરૂપ છે.  અને તેમાં કોઇના હસ્તક્ષેપની જરૂર નથી.


નોંધનીય છે કે મુંબઇ પોલીસે પોર્ન વીડિયો બનાવવા મામલે ફેબ્રુઆરીમાં કેસ કર્યો હતો. આ મામલે અનેકની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસમાં રાજ કુંન્દ્રાનું નામ ખુલ્યું હતું. પોલીસે દાવો કર્યો હતો કે પોર્ન વીડિયો બતાવનાર હોટશોર્ટ્સ એપને રાજ કુંન્દ્રાની કંપની આર્મ્સપાઇન ચલાવતી હતી. આ એપને બાદમાં લંડનથી કેનરિન પ્રાઇવેટ લિમિટેડને વેચી દેવામાં આવી. પોલીસે 19 જૂલાઇના  રોજ રાજ કુંન્દ્રાની ધરપકડ કરી હતી. પોલીસનો આરોપ છે કે છેલ્લા વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે રાજ કુંન્દ્રાએ હોટશોર્ટ્સ મારફતે 1.17 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી હતી.