Delhi Assembly Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2024 માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ એક શાનદાર જીત નોંધાવી છે. પાર્ટીએ 70 માંથી 48 બેઠકો જીતીને 27 વર્ષ બાદ દિલ્હીમાં સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને તે માત્ર 22 બેઠકો પર જ સિમિત રહી હતી. એટલું જ નહીં, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સૌરભ ભારદ્વાજ જેવા AAP ના ઘણા દિગ્ગજ નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે જ્યારે ભાજપ દિલ્હીમાં સત્તા પર પાછું ફર્યું છે, ત્યારે સૌની નજર એ વાત પર છે કે પાર્ટી કોને મુખ્યમંત્રી બનાવશે. હાલમાં આ પદ માટે 7 લોકોના નામ ચર્ચામાં છે. આવો જાણીએ આ નામો કયા છે અને શા માટે તેઓ મુખ્યમંત્રી પદના મજબૂત દાવેદાર છે.
મુખ્યમંત્રી પદની રેસમાં ટોચના 7 ચહેરા:
પ્રવેશ સિંહ વર્મા
પ્રવેશ સિંહ વર્મા પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે અને રાજકારણમાં એક જાણીતું નામ છે. તેઓ પશ્ચિમ દિલ્હીથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં તેમણે 5.78 લાખ મતોથી જીત મેળવી હતી, જે દિલ્હીના ઇતિહાસમાં સૌથી મોટી જીત હતી. આ વખતે તેમણે નવી દિલ્હી વિધાનસભા સીટ પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 4099 મતોથી હરાવીને સૌને ચોંકાવી દીધા હતા.
બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા પ્રવેશ વર્માની સંગઠન અને પાર્ટીમાં સારી પકડ માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જાટ સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવીને ભાજપ હરિયાણામાં બિન-જાટ મુખ્યમંત્રી સામેની નારાજગીને ઓછી કરવાનો પ્રયાસ કરી શકે છે. વધુમાં, એક જાટ નેતાને મુખ્યમંત્રી બનાવીને પાર્ટી ખેડૂતોના આંદોલનને પણ શાંત પાડવાનો પ્રયાસ કરી શકે છે.
મનોજ તિવારી
મનોજ તિવારી ઉત્તર-પૂર્વ દિલ્હીથી સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપે દિલ્હીના 7 માંથી 6 સાંસદોની ટિકિટ રદ કરી ત્યારે પણ મનોજ તિવારી પર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો હતો. તેઓ 2016 થી 2020 સુધી દિલ્હી ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પૂર્વાંચલના મતદારોમાં મનોજ તિવારીની જબરદસ્ત લોકપ્રિયતા છે અને બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણી હોવાથી ભાજપ તેમને મુખ્યમંત્રી બનાવીને રાજકીય લાભ મેળવી શકે છે.
મનજિન્દર સિંહ સિરસા
મનજિન્દર સિંહ સિરસા શિરોમણી અકાલી દળ (SAD) ની ટિકિટ પર 2013 અને 2017 માં વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. 2021 માં તેઓ SAD છોડીને ભાજપમાં જોડાયા હતા અને ઓગસ્ટ 2023 માં તેમને ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. દિલ્હીમાં શીખ સમુદાયના મોટા નેતા તરીકે જાણીતા સિરસાને મુખ્યમંત્રી બનાવીને ભાજપ પંજાબમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે.
સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાની એક રાષ્ટ્રીય સ્તરના મહિલા નેતા છે અને ભાજપમાં તેમનું મોટું કદ છે. તેઓ 2010 થી 2013 સુધી ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા અને 2019 માં તેમણે અમેઠી લોકસભા સીટ પર રાહુલ ગાંધીને હરાવીને રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા હતા. ભાજપમાં હાલમાં કોઈ મહિલા મુખ્યમંત્રી નથી, તેથી સ્મૃતિ ઈરાનીને મુખ્યમંત્રી બનાવીને પાર્ટી મહિલા મતદારોને એક મજબૂત સંદેશ આપી શકે છે.
વિજેન્દ્ર ગુપ્તા
વિજેન્દ્ર ગુપ્તા રોહિણી વિધાનસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા છે. તેઓ બે વખત દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. 2015 માં જ્યારે દિલ્હી વિધાનસભામાં ભાજપના માત્ર 3 ધારાસભ્યો હતા, ત્યારે વિજેન્દ્ર ગુપ્તા તેમાંથી એક હતા. તેઓ દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને સંગઠનમાં તેમની મજબૂત પકડ માનવામાં આવે છે.
મોહન સિંહ બિષ્ટ
મોહન સિંહ બિષ્ટ 1998 થી 2015 સુધી સતત ચાર વખત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. 2020 માં તેઓ ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2025 માં તેમને મુસ્લિમ બહુમતી ધરાવતા મુસ્તફાબાદથી ટિકિટ આપવામાં આવી હતી, જ્યાંથી તેઓ જીત્યા પણ હતા. મોહન બિષ્ટનો સંઘ અને સંગઠનમાં સારો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.
વીરેન્દ્ર સચદેવા
વીરેન્દ્ર સચદેવા લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે અને સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર કામ કરી ચૂક્યા છે. તેઓ 2023 માં દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. પાર્ટીમાં તેમની વફાદારી અને અનુભવને જોતા તેઓ પણ મુખ્યમંત્રી પદના દાવેદાર હોઈ શકે છે.
આ પણ વાંચો....
દિલ્હીમાં કોંગ્રેસની કારમી હાર: 70માંથી 67 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત, માત્ર 3 જ બચાવી શક્યા લાજ!