ભોપાલમાં લાગેલ આ પોસ્ટર્સમાં કહેવામાં આવ્યું છે કે, શહેરના લોકો કોરોના સંક્રમણની મહામારીનો સામનો કરી રહ્યા છે એવામાં ભોપાલના ભાજપના સાંસદ લાપતા છે. બીજી બાજુ સાંસદ પ્રજ્ઞાએ વીડિયો કોલના માધ્યમથી સહકાર ભારતી દ્વારા બૈરાગઢ ચિચલી વિસ્તારમાં સંચાલિત મોબાઈલ હોસ્પિટલ સેવા શરૂ કરી છે. સહકાર ભારતીના પદાધિકારી ઉમાકાંત દીક્ષિતનો દાવો છે કે પ્રજ્ઞા લાપતા નથી પરંતુ દિલ્હીની એક હોસ્પિટલમાં છે અને સ્વસ્થ્ય નથી.
સંપર્કમાં છે પ્રજ્ઞા ઠાકુર
દીક્ષિતએ કહ્યું કે તે ફોન પર કાર્યકર્તાઓના સંપર્કમાં છે અને કોરોના વાયરસને કારણે લાગુ લોકડાઉનને કારણે પરેશાન પ્રવાસીઓ અને જરૂરિયાતમંદોની મદદ કરી રહી છે. ભોપાલ દક્ષિણ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પીસી શર્માએ આ પોસ્ટરોનું સમર્થન કરતાં કહ્યું કે, સંકટપૂર્ણ સમયમાં લોકોએ પોતાના સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિશે જાણવાનો હક છે.
‘દિગ્વિજય સિંહ કરી રહ્યા છે લોકડાઉનમાં મદદ'
શર્માએ દાવો કર્યો કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં પ્રજ્ઞા ઠાકુર સામે 3.6 લાખ મતથી હારવા છતાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ લોકડાઉન દરમિયાન શહેરમાં રહીને લોકોની દરેક શક્ય મદદ કરી રહ્યા છે.
‘પ્રજ્ઞા એમ્સમાં છે ભરતી’
જ્યારે ભાજપના પ્રદેશ પ્રવક્તા રાહુલ કોઠારીએ કહ્યું કે, કેન્સર અને આંખોની સારવાર માટે પ્રજ્ઞા ઠાકુર દિલ્હીના એમ્સમાં ભરતી છે. પ્રજ્ઞાના નિર્દેશ પર ભોપાલ અને સમગ્ર સંસદીય ક્ષેત્રમાં ભોજન અને રાશનના સામાનનાં વિતરણ જેવી મદદકાર્ય ચાલી રહ્યા છે જ્યારે દિગ્વિજય સિંહ જાહેરમાં પોતાની હાજરી દર્શાવીને માત્ર રાજનીતિ કરી રહ્યા છે.