નવી દિલ્હીઃ કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિત અનેક રાજ્ય વીજળી સંકટનો સામનો કરી રહ્યા છે. રેલવે બોર્ડે ઉત્તર પ્રદેશમાં વીજ પુરવઠો જાળવવા માટે આઠ એક્સપ્રેસ ટ્રેન રદી દીધી હતી. વાસ્તવમાં આ ટ્રેન એટલા માટે રદ કરવામાં આવી જેથી થર્મલ પાવર સ્ટેશનો માટે સપ્લાય કરવામાં આવતી કોલસાથી ભરેલી માલસામાનની ટ્રેનોને સરળતાથી પસાર થઇ શકે અને કોલસો સમયસર પહોંચી શકે.  બીજી તરફ રાજસ્થાન સરકારે રાજ્યમાં 3 કલાક વીજકાપ કરવાનો નિર્ણય લીધો છે.






એક રિપોર્ટ અનુસાર, રેલવે બોર્ડે ઉત્તર પ્રદેશ સરકાર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. ઉત્તર પ્રદેશમાં વીજળીની સતત માંગ વધી રહી છે. જે એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં લખનઉ-મેરઠ એક્સપ્રેસ (22453), પ્રયાગરાજ સંગમ-બરેલી એક્સપ્રેસ (14307) સહિત 8 ટ્રેનોનો સમાવેશ થાય છે. ઉત્તર રેલ્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમે પહેલાથી જ કોલસાથી ભરેલી માલસામાન ટ્રેનો અને તે ખાલી રેક્સ ટ્રેનોને પ્રાથમિકતા આપી રહ્યા છીએ જે થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે કોલસાના વહન માટે કામ કરી રહી છે. હાલમાં 8 ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉર્જા મંત્રી એકે શર્માએ પશ્ચિમાચલ ડિસ્કોમ અને કેસ્કોની વીજળી વ્યવસ્થાની સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, સખત ગરમીમાં લોકોને વીજ કટોકટીનો સામનો ન કરવો પડે તે માટે જાળવણીની કામગીરી ઝડપી કરવી જોઈએ.


રાજસ્થાનમાં વીજળીની કટોકટી વધી


રાજસ્થાનમાં વીજળીનું સંકટ વધુ ઘેરું બન્યું છે. આવી સ્થિતિમાં રાજ્યના ઘણા ભાગોમાં વીજળી સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે રાજસ્થાનની ગેહલોત સરકારે 3 કલાક સુધી વીજ પુરવઠો બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના જણાવ્યા અનુસાર હવે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 3 કલાક, જિલ્લા સ્તરે 2 કલાક અને વિભાગીય સ્તરે 1 કલાક વીજળી કાપ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જા મંત્રી ભંવર સિંહ ભાટીએ કહ્યું કે, આખા દેશમાં કોલસાનું સંકટ છે. અમે એક યુનિટ માટે 15 રૂપિયા સુધી આપી રહ્યા છીએ. પરંતુ અમને વીજળી મળતી નથી.


દેશમાં વીજ સંકટ પર કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, રશિયા તરફથી ગેસ સપ્લાય બંધ થઈ ગયો છે. જોકે, થર્મલ પાવર પ્લાન્ટમાં 21 મિલિયન ટન કોલસાનો સ્ટોક છે. જે દસ દિવસ પૂરતો છે. કોલ ઈન્ડિયા સહિત ભારતમાં કુલ 30 લાખ ટનનો સ્ટોક છે. આ 70 થી 80 દિવસનો સ્ટોક છે. જો કે હાલની સ્થિતિ સ્થિર છે.