Power Crisis: હાલના દિવસોમાં દેશમાં કોલસાની અછતને કારણે રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યો વીજસંકટનો સામનો કરી રહ્યા છે. ક્યાંક રાજ્યોમાં 2 કલાક વીજળી ગુલ થાય છે તો ક્યાંક 5 થી 8 કલાક. લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દેશમાં વીજળીની કુલ અછત 623 મિલિયન યુનિટ પર પહોંચી ગઈ છે. આ આંકડો માર્ચમાં વીજળીની કુલ અછત કરતાં વધુ છે.
પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો ભંડાર નવ વર્ષમાં સૌથી નીચો
આ સંકટના કેન્દ્રમાં કોલસાની અછત છે. દેશમાં 70 ટકા વીજળીનું ઉત્પાદન કોલસાથી થાય છે. સરકાર દાવો કરી રહી છે કે માંગને પહોંચી વળવા પૂરતો કોલસો ઉપલબ્ધ છે, પરંતુ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો ભંડાર નવ વર્ષમાં સૌથી નીચો છે. દેશમાં 70 ટકા વીજળીનું ઉત્પાદન કોલસાથી થાય છે. જો કે આ સમયે કોલસાની તીવ્ર અછતના કારણે સામાન્ય જનતા વીજ કટોકટીનો સામનો કરી રહી છે.
ક્યાં કેટલી વીજળીની અછત ?
દેશમાં વીજળીની કુલ અછત 623 મિલિયન યુનિટ પર પહોંચી ગઈ છે. જેમાંથી આ રાજ્યોમાં આટલી અછત છે :
યુપી- 3000 મેગાવોટ
પંજાબ - 1550 મેગાવોટ
તમિલનાડુ- 750 મેગાવોટ
જમ્મુ અને કાશ્મીર - 500 મેગાવોટ
હરિયાણા - 300 મેગાવોટ
કેન્દ્ર પર વિપક્ષના આકરા પ્રહારો
કોલસાની અછત અને વિજસંકટને લઈને વિપક્ષે કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા છે. યુપીમાં પાવર કટને રાજકીય રંગ મળ્યો છે. લખનૌમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ એક ઈફ્તાર કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીના મતદારો જ્યાં રહે છે ત્યાં મહત્તમ પાવર કાપવામાં આવી રહ્યો છે.
અખિલેશ યાદવે કહ્યું કે ઓમર અબ્દુલ્લાએ જે કહ્યું તેમાં સંપૂર્ણ સત્ય છે. ઉત્તરપ્રદેશમાં જે વિસ્તારોમાં સપાના મતદારો રહે છે, ત્યાં મોટા પાયે પાવર કટ છે. અખિલેશના નિવેદન બાદ યુપીના ઉર્જા મંત્રી એકે શર્માએ સ્વીકાર્યું છે કે વીજળીની અછત છે, પરંતુ કયા વિસ્તારમાં કેટલો કાપ મૂકવામાં આવી રહ્યો છે તે અંગે તેમણે કંઈ નથી કહ્યું.
આ પહેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ પણ રમઝાન પર પાવર કટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું "મને આશ્ચર્ય થાય છે કે શા માટે બાકીના દિવસ અને રાત્રિ દરમિયાન વીજળી હોય છે પરંતુ સેહરી અને ઇફ્તાર દરમિયાન કેમ નથી હતી?’ તેણે કહ્યું. તમે સેહરી ખાવા માટે જાગો છો, ત્યાં વીજળી નથી હોતી અને ઇફ્તાર વખતે પણ એવું જ થાય છે. તરાવીહની નમાજ દરમિયાન વીજળી હોતી નથી અને જ્યારે નમાજ પૂરી થાય છે, ત્યારે વીજળી પાછી આવી જાય છે.