પૂર્વ વડાપ્રધાન અને દાદા એચડી દેવગૌડા તરફથી મળેલી ચેતવણી મળ્યા બાદ પ્રજ્વલ રેવન્ના ભારત પરત ફરશે. તે અનેક મહિલાઓનું જાતીય શોષણ કરવાના આરોપોનો સામનો કરી રહ્યો છે. જણાવવામાં આવ્યું છે કે મ્યુનિખથી બેંગ્લોરની ફ્લાઈટની ટિકિટ 30મી મેના રોજ બુક થઈ ગઈ છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. SIT સૂત્રોના જણાવ્યા અનુસાર, JDS સુપ્રીમો એચડી દેવગૌડાના 33 વર્ષીય પૌત્ર 31 મેની સવારે બેંગલુરુ પહોંચે તેવી શક્યતા છે.






સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, એસઆઈટી સૂત્રોએ જણાવ્યું કે તે અહીં કેમ્પેગૌડા એરપોર્ટ પર નજર રાખી રહી છે જેથી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરી શકાય. પ્રજ્વલ રેવન્ના હાસન લોકસભા સીટ પરથી NDAના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટક રાજ્ય મહિલા આયોગે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને વિંનંતી કરી હતી કે તેઓ એ વીડિયોની તપાસનો આદેશ આપે જેમાં કથિત રીતે પ્રજ્વલ રેવન્ના દ્ધારા અનેક મહિલાઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતુ. આ સમાચાર બહાર આવ્યા બાદ રેવન્ના દેશ છોડીને ભાગી ગયો હતો.


બે વખત જર્મનીથી ફ્લાઇટની ટિકિટ કરી ચૂક્યો છે કેન્સલ


પ્રજ્વલ સામે અત્યાર સુધીમાં બે જાતીય સતામણીના કેસ નોંધાયા છે. બે દિવસ પહેલા તેણે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો, જેમાં તેણે 31 મેના રોજ એસઆઈટી સમક્ષ હાજર થઈને તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે સાંસદે અગાઉ બે વખત જર્મનીથી તેમની ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવી છે. દરમિયાન, એસઆઈટીએ મંગળવારે હાસન શહેરમાં પ્રજ્વલના ઘરે સર્ચ હાથ ધર્યું હતું, જે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે કેટલીક વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.


પ્રજ્વલના દાદા એચડી દેવગૌડાએ ગયા અઠવાડિયે પત્ર લખીને તેને પરત ફરવા અને તપાસનો સામનો કરવાની અપીલ કરી હતી. 24 મેના રોજ ‘પ્રજ્વલ રેવન્નાને મારી ચેતવણી’ના ટાઇટલ સાથે લખેલા પત્રમાં દેવેગૌડાએ લખ્યું હતું કે, 'આ ક્ષણે હું માત્ર એક જ કામ કરી શકું છું. હું પ્રજ્વલને કડક ચેતવણી આપી શકું છું અને તે જ્યાં પણ હોય તેણે ત્યાંથી પરત ફરીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું જોઈએ. તેણે પોતાની જાતને કાનૂની પ્રક્રિયાને આધીન કરવી જોઈએ. આ કોઈ અપીલ નથી જે હું કરી રહ્યો છું, આ એક ચેતવણી છે જે હું જાહેર કરી રહ્યો છું. જો તે આ ચેતવણી પર ધ્યાન નહીં આપે તો તેને મારા અને તેના પરિવારના તમામ સભ્યોના રોષનો સામનો કરવો પડશે. કાયદો તેની સામેના આરોપોની તપાસ કરશે, પરંતુ જો પરિવારની વાત નહી સાંભળે તો તેની સાથેના તમામ સંબંધો તોડી નાખવામાં આવશે.


પ્રજ્વલ રેવન્નાએ વિદેશ ભાગી જવાના આરોપ પર શું કહ્યું?


પ્રજવલે પોતાના વીડિયો સંદેશમાં કન્નડમાં કહ્યું હતું કે, 'સૌથી પહેલા હું મારા માતા-પિતા, દાદા, કુમારન્ના (કુમારસ્વામી), કર્ણાટકના લોકો અને પાર્ટીના તમામ કાર્યકરોની માફી માંગુ છું કે મેં વિદેશમાં મારા ઠેકાણા વિશે કોઈને કહ્યું નથી. જ્યારે 26 એપ્રિલે ચૂંટણી યોજાઈ ત્યારે મારી સામે કોઈ કેસ નહોતો કે કોઈ વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી ન હતી. મારી વિદેશ યાત્રાનો પ્લાન પહેલેથી જ બની ગયો હતો. હું ચૂંટણી પછી ત્યાંથી નીકળી ગયો અને ત્રણ-ચાર દિવસ પછી યુટ્યુબ અને ન્યૂઝ ચેનલો જોતી વખતે મને આ (કેસ) વિશે ખબર પડી. ત્યારબાદ SITએ નોટિસ જાહેર કરી અને મેં મારા એક્સ એકાઉન્ટ અને મારા વકીલ દ્વારા નોટિસનો જવાબ આપવા માટે સાત દિવસનો સમય માંગ્યો છે.