નવી દિલ્હીઃ લૉકડાઉન-4ની મર્યાદા પુરી થવામાં છે, હવે ગણતરીના દિવસો બાકી છે, દરેકના મોઢે સવાલ છે કે લૉકડાઉન-5 આવશે કે નહીં. આ સવાલ પર હવે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એબીપી ન્યૂઝના ઇ-શિખર સંમેલન કાર્યક્રમમાં મોટી વાત કહી. તેમને કહ્યું કે, દેશના નવ જિલ્લામાં કોરોનાની સ્થિતિ એકદમ ખરાબ છે, અને તે જિલ્લાઓમાં કંઇક તો વ્યવસ્થા કરવી જ પડશે.

પ્રકાશ જાવડેકરે કહ્યું કોરોના સંકટ માત્ર મોદી સરકાર માટે જ નથી, આખા વિશ્વ માટે કઠીન સમય છે. તેમનુ એ પણ કહેવુ હતુ કે જો લૉકડાઉન ના કરીએ તો ખતરો બહુ વધી જશે.

લૉકાડાઉન સાથે જોડાયેલા સવાલના જવાબમાં જાવડેકરે કહ્યું કે લૉકડાઉન કરીએ તો પણ તકલીફ છે અને ના કરીએ તો પણ તકલીફ છે. લૉકડાઉન ના કરીએ તો સંક્રમણનો ખતરો વધી જાય છે. તેમને કહ્યું કે, પહેલા ત્રણ દિવસમાં કોરોનાના કારણે કેસ ડબલ થઇ રહ્યાં હતા. હવે તે 14 દિવસમાં થઇ રહ્યાં છે. આ બધુ લૉકડાઉનના કારણે સંભવ થઇ શક્યુ છે. એવુ કોઇએ ન હતુ કહ્યું કે 15 દિવસમાં લૉકડાઉન પુરુ થઇ જશે, અને લોકો બહાર ફરવા લાગશે. લોકો કોરોનાની સાથે જીવવાનુ શીખી રહ્યાં છે.



પ્રકાશ જાવડેકરના આ નિવેદનથી સ્પષ્ટ છે કે તેમને દબાયેલી જીભમાં લૉકડાઉન-5ના સંકેત આપી દીધા છે. જોકે તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે લૉકડાઉન-5માં પહેલા કરતા વધારે ઢીલ હશે.

નોંધનીય છે કે, કોરોનાના કેર દેશમાં સતત વધી રહ્યો છે, અને છેલ્લા 10 દિવસ જ કાતિલ રહ્યાં છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાની સંખ્યામાં 64,660 દર્દીઓ વધી ગયા.